જામનગર શહેરના સોનલનગર વિસ્તારની આંગળવાડી વિવાદમાં સપડાઈ છે. હકીકતમાં આંગણવાડીના બાળકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બાળકો પાસે ‘યા હુસેન’ના નારા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યા હતા. જે વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સેનાએ આંગણવાડી કાર્યકર સામે પગલા લેવાની માંગ કરવા સાથે વાલીઓને ચેતવાની જરૂર હોવાનું જણાવ્યું છે.
આ અંગે સ્પષ્ટતાં કરતાં છેલ્લા 21 વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા ઈન્દુબેન રાઠોડે જણાવ્યું કે, અમને દરરોજ અલગ-અલગ થીમ આપવામાં આવે છે, તે પ્રમાણે બાળકને શીખવવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે અમારો વિષય ‘આડોશ-પાડોશ અને આપણો સમાજ’ હતો. જેના માટે ઉપરથી જ અમને ઈદની ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું હતુ.
ઈદની ઉજવણીમાં બાળકો શું કરે, કેવા કપડા પહેરે, કંઈ રીતે તહેવાર ઉજવવાનો? વગેરે બાબતે બાળકોને શીખવવાનું હતુ. આથી અમારી આંગણવાડીમાં લઘુમતીના બે બાળકો આવે છે.જે બન્ને બાળકોએ કાલીઘેલી ભાષામાં અન્ય બાળકોને આ બાબતે શીખવ્યું હતુ. જેનો વીડિયો બનાવીને મેં વાલીના ગ્રુપમાં મૂક્યો હતો. આ સંદર્ભે વાલીઓ તરફથી પણ મને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને બાળકોને પણ ખૂબ જ મજા આવી હતી. હવે આમાં કોને ક્યાં વાંધો પડ્યો તે મને ખબર નથી.
બીજી તરફ આ બાબતે હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષે જણાવ્યું કે, સોનલનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીની અંદર 30 બાળકો આવે છે, જેમાં બે મુસ્લિમ છે. આ આંગણવાડીમાં તહેવારો કેવી રીતે ઉજવવા, ઈદમાં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ યા હુસેન, યા હુસેન ના નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચવામાં આવ્યું છે. આવા શિક્ષકોથી બાળકોના માનસ પર ઊંડી અસર થતી હોય છે.
એક સ્કૂલમાં ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ બોલે તો વિદ્યાર્થીઓને માર પડે છે, બીજી તરફ આંગણવાડીમાં ‘યા હુસેન’ના નારા લગાવતા શીખવવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લઈએ તો, ગુજરાતમાં શિક્ષણ ધર્માંતારણ તરફ આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે. જેને ગુજરાત હિન્દુ સેના સહન નહીં કરે અને લગત અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓ પણ સાવચેતી રાખી પોતાના બાળકો પ્રત્યે ધ્યાન દોરે તેવી વિનંતી.