કોઈ પણ શહેરમાં મ્યુનિસિપાલિટીઓનું કામ લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું છે. જો કે, ગેરવહીવટના કારણે લોકો પરેશાન હોય ત્યારે તેઓ લાચાર થઈ જાય છે. આવી જ સ્થિતિ હાલ શાંતિગ્રામની સોસાયટીમાં વસતા લોકોની છે. વાત એમ છે કે, અર્બન ડેવલેપમેન્ટ ઓથોરિટી (ગુડા) હેઠળ આવતા શાંતિગ્રામની સોસાયટીઓ હાલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું દુર્ગંધ મારતું પાણી ખુલ્લામાં છોડી દે છે.
ગુડાના આવા ગેરવહીવટના કારણે અહીંના 4,000 મકાનમાં રહેતા એશરે 15,000 લોકો અત્યંત પરેશાન છે. એટલું જ નહીં, ચોમાસામાં અહીં રોગચાળો ફેલાવવાનો પણ ભય છે.
ગાંધીનગર-અમદાવાદ સરહદ પર આવેલા શાંતિગ્રામની પાંચેક જેટલી સોસાયટીમાં ગુડાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે. આ ઉપરાંત ડેન્ગ્યુ જેવી બિમારીઓ પણ ઝડપથી ફેલાઈ રહી હોવાનો સ્થાનિક રહીશો દાવો કરી રહ્યા છે. આ સોસાયટીઓની નજીક જ ગુડાનો એક જૂનો અને એક નવો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જો કે, આ સોસાયટીઓમાં અમુક બ્લોક જાસપુર ગ્રામ પંચાયત તો અમુક બ્લોક દંતાલી ગ્રામ પંચાયત હેઠળ આવે છે.આ અંગે વોટરલીલી સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું કે ‘આ મુદ્દે સોસાયટીઓ દ્વારા ઓથોરિટીને જાણ કરાઈ હતી. પછી એક ટીમ અહીં મુલાકાત લેવા આવી અને અમને કહ્યું કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યવાહી હાઈટેક કરાશે. પછી આ સમસ્યા દૂર થઈ જશે. જો કે, આ સોસાયટી પાછળ એક જૂનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે. પહેલા એ પ્લાન્ટ બંધ કરી નવો પ્લાન્ટ ચાલુ કરવાની વાત હતી. પરંતુ હવે તો જૂનો પણ ચાલુ છે. આમ અહીં બે પ્લાન્ટ છે. આખા ગાંધીનગરનું પાણી આ પ્લાન્ટમાં આવે છે અને આ પાણી રિચાર્જ કરવાની કોઈ પણ સુવિધા ન હોવાને કારણે બાજુના ખુલ્લા ખેતરો અને પડતર જગ્યામાં તેનું પાણી છોડી દેવાય છે. આ પાણી સોસાયટીઓ સુધી આવી જાય છે. આ કારણસર ભયાનક દુર્ગંધની સાથે મચ્છરને પણ ભારે ઉપદ્રવ થાય છે.’અન્ય એક રહીશ જણાવ્યું હતું કે,’અમે અહીં મકાન ખરીદવા આવ્યા ત્યારે અમને જણાવાયું હતું કે, અહીં પાછળ ફોરેસ્ટ રિઝર્વ છે. ત્યાં હરણ અને નીલગાય જેવા પ્રાણીઓ જોવા મળશે, પરંતુ અત્યારે સ્થિતિ વિપરિત છે. અહીં તો ગંદા પાણીની દુર્ગંધ અને જીવજંતુઓનો ઉપદ્રવ જ છે.’
આ પ્લાન્ટ ગુડાના હસ્તગત છે, જેનું સંચાલન રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે. આ પ્લાન્ટનું નિર્માણ પણ તેમણે જ કર્યું છે, પરંતુ સોસાયટીના લોકોને વારંવાર રજૂઆત પછીયે કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. હજુ પણ આ પ્લાન્ટનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી ખુલ્લી જગ્યાએ છોડી દેવામાં આવે છે અને તેના પરિણામો ચકાસવા માટે કોઈ અધિકારી કે સરકારી એજન્સીના લોકો આવતા નથી.વર્ષ 2021-22 દરમિયાન આ પ્લાન્ટ વિશે અને તેના પાણીના ડિસ્ચાર્જ મુદ્દે કાર્યવાહી કરાઈ હતી. પરંતુ ત્યારબાદ આ પાણીના ડિસ્ચાર્જની કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી. આ કારણસર સમગ્ર વિસ્તારમાં ભયાનક દુર્ગંધ અને તેના કારણે મચ્છર અને અન્ય જીવજંતુઓના ઉપદ્રવની સમસ્યા સર્જાઈ છે.સ્વચ્છ શહેરનું સર્વેક્ષણ શરૂ થાય એટલે એમાં વિજયી બનવા માટે મહાપાલિકાઓમાં સ્પર્ધા શરૂ થાય છે. દુકાનને બહાર કચરો કે ગંદકી મળી આવે તે પાલિકા દુકાનદાર પાસેથી દેશ વસૂલે છે. પરંતુ પ્રાથમિક સગવડ આપવા બંધાયેલી સંસ્થા પોતે જ ગંદકી કરે, સૂઝનું પાણી રસ્તા ઉપર ખુલ્લું છોડી દે, પ્રજાના આરોગ્ય સામે ખતરો ઊભો થાય તો જવાબદાર કોણ? એસજી હાઈવે ઉપર, રાજ્યના પાટનગરથી મિનિટના અંતરે આવેલી શાંતિગ્રામ પાસે સુએઝના પાણીને તળાવ રચાયા છે અને તંત્ર ઊઘી રહ્યું છે.