ગાંધીનગરના દહેગામની નહેરુ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક શિક્ષિકાને કારના ચાલકે પાછળથી ટક્કર મારી ફૂટબોલની માફક ફંગોળતા શિક્ષિકાને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેઓને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
દહેગામ કપડવંજ રોડ સાન્વી રેસીડેન્સીમાં રહેતા નિમિષાબેન પરાગભાઈ ઘોસાળકર દહેગામ નહેરૂ ચોકડી નજીક આવેલ ગુરુકુળ એજ્યુકેશન નામના ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના પતિ પ્રાઈવેટ નોકરી કરે છે. ગત તા. 15 મી જુલાઈના રોજ નિમિષાબેન જ્યુપીટર લઈને ઘરેથી નિકળ્યા હતા. અને હાઉસિંગ ચોકડી થઈ નહેરુ ચોકડીથી પરત કપડવંજ રોડ ઉપર જઈ ટ્યુશન ક્લાસીસની સામેની બાજુ જ્યુપીટર પાર્ક કર્યું હતું. બાદમાં તેઓ રોડ ક્રોસ કરી ચાલતાં ચાલતાં ટ્યુશન ક્લાસીસ આગળ પહોંચ્યા હતા. આ દરમિયાન એક ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી કપડવંજ રોડથી દહેગામ નહેરુ ચોકડી તરફ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નિમિષાબેનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે તેઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. અને બેભાન થઈ ગયા હતા.
અકસ્માત સમયે ટયુશન ક્લાસના બે વિદ્યાર્થીઓ દોડી ગયા હતા અને શિક્ષિકાને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે દહેગામની મિશિકા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક્સ-રે, સીટીસ્કેન તેમજ સોનોગ્રાફી રિપૉર્ટ કરતા હાથે ખભાના ભાગે ફેક્ચર તથા માથામાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.