અમદાવાદ
કૉગ્રેસ ભવન ખાતે પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોની અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીનઅરજી ફગાવ્યા બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીનઅરજી કરી હતી. જે અરજી જસ્ટિસ એમ.આર. મેંગડે દ્વારા મંજૂર કરવામાં આવી છે અને પાંચેય કોંગ્રેસ કાર્યકર્તાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અરજદારોના વકીલે રજૂઆત કરી હતી કે પાંચ આરોપીઓ સામે BNS અંતર્ગત ગુનો નોંધાયો છે.આ ગુનામાં એક કલમ 121(1) સિવાય બીજી બધી કલમો જામીન પાત્ર છે. આ કલમમાં સરકારી કર્મચારીને ગંભીર ઈજા કરવાની વાત છે. ખરેખરમાં અરજદારો પીડિત છે, તેમને ઘટનાસ્થળેથી પકડવામાં આવ્યા નથી. FIRમાં આરોપીઓનું નામ નથી. આ ફરિયાદમાં ટોળા સામે આક્ષેપ કરાયો છે. ફક્ત આ પાંચ લોકોની જ સંપૂર્ણ ઘટનામાં ધરપકડ કરાઈ હતી. આ કેસમાં સામેવાળા પક્ષના કોઈની પણ ધરપકડ કરાઈ નથી.સરકારી વકીલે આરોપીઓની જમીનઅરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ કેસમાં વીડિયોગ્રાફરનું નિવેદન લેવાયું હતું. આખી ઘટનાની વીડિયોગ્રાફી કરાઈ હતી. આરોપીઓની ઘટનામાં સક્રિય ભાગીદારી છે. દરેક આરોપીની ભૂમિકા જણાવાયેલી છે. આ ઘટનામાં પોલીસના સિનિયર અધિકારીને પણ ઇજાઓ થઈ હતી.