ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો કમરતોડ માર પડ્યો છે. લોકો માટે બે છેડા ભેગા કરવા ભારે પડી રહ્યા છે. ડુંગળી બટાકાને બાદ કરતાં લગભગ દરેક શાકભાજીનો ભાવ પ્રતિ કિલોએ 100 રૂપિયા કરતાં વધારે છે. આમ એક શાક ખરીદવું હોય તો ગૃહિણીએ સોની નોટ છૂટી કરવી પડે છે. બધા શાકભાજીના ભાવ પેટ્રોલના-ડીઝલના ભાવને વટાવી ગયા છે.તેમા કઠોળના ભાવમાં કમરતોડ વધારાએ લોકોની થાળીમાંથી કઠોળ ગાયબ કરી દીધા છે.
આ ઉપરાંત દરેક દાળના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને વટાવી જઈને દોઢસો રૂપિયાને આંબવાની નજીકમાં છે. આમ આગામી સમયમાં ગુજરાતીઓની થાળીમાંથી દાળ પણ ગુમ થઈ જશે. ગુજરાતમાં ફુગાવાનો દર 5.18 ટકા છે.
કઠોળના ભાવ એટલે વધી ગયા છે, લોકોની થાળીમાંથી કઠોળ ગાયબ થઈ રહ્યાં છે. કઠોળના ભાવમાં 16.07 ટકાનો વધારો થયો છે. દેશમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ 9.36 ટકા સુધી પહોંચી ગયો છે. ગુજરાત સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં વધતા ઓછા અંશે ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો ઝીંકાયો છે. લોકોને સારવાર કરાવવી અને સંતાનોને શિક્ષણ આપવું પણ દુષ્કર બની રહ્યું છે. શિક્ષણનો ખર્ચ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે ખર્ચાળ બન્યું છે.
મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. જનજીવનમાં ઉપયોગમાં લેવાતી એવી કોઈ વસ્તુ બાકી નથી, જેને મોંઘવારી અડી ન હોય. દેશમાં સૌથી વધુ મોંઘવારી ઓરિસ્સામાં નોંધાઈ છે. બીજા નંબરે બિહાર અને ત્રીજા ક્રમે કર્ણાટક છે. દેશમાં હાલ મોંઘવારી આકાશને આંબી રહી છે. આ કારણે રોજિંદી રોજગારી કરીને પેટિયુ રળતા લોકો માટે હવે જીવન જીવવુ દુષ્કર બની જશે.