ગાંધીનગર બીએસએફ કેમ્પ ખાતે ફરજ બજાવતા અને માનસિક રોગની સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ બીએસએફનાં કોન્સ્ટેબલનાં સામાનમાંથી 54 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેથી ચીલોડા પોલીસે ગુનો નોંધી કોન્સ્ટેબલની NDPS નાં ગુનામાં ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર બીએસએફ કેમ્પ ખાતે આસીસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે 53 બટાલીયનમાં ફરજ બજાવતા મુરારીલાલ પુનીયા મહાવીરપ્રસાદ પુનીયાને ગઈકાલે સોમવારે ઉપરી અધિકારી એ સૂચના આપેલ કે, અમદાવાદના શાહીબાગ મેન્ટલ હેલ્થ હોસ્પીટલમાં કોન્સ્ટેબલ મહેન્દ્ર મોતીલાલ પાટીલે (હાલ રહે. બીએસએફ કેમ્પ, 53 બટાલીયન, મૂળ રહે. મહારાષ્ટ્ર) નશો કર્યો છે. જેને જઈને ચેક કરી રિપૉર્ટ રજૂ કરો. જેનાં પગલે બીએસએફનાં અધિકારીઓ મેન્ટલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટર સાથે વાતચીત કરતાં બીએસએફ કોન્સ્ટેબલ મહેન્દ્ર પાટિલે નશો કર્યાનું અને એક પેકેટ પણ સીઝ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડયું હતું. જે અંગેનો રીપોર્ટ ઉપરી અધિકારીને મોકલી આપવામાં આવ્યો હતો.
જેનાં પગલે કોન્સ્ટેબલ પાટીલને ડિસ્ચાર્જ કરાવી બીએસએફ કેમ્પ લઈ જવાયો હતો. બાદમાં તેના સામાનની તલાશી લેતાં 11 પ્લાસ્ટિકનાં ગાંજાનાં પેકેટ મળી આવ્યા હતા. આ અંગે બીએસએફનાં કમાન્ડન્ટની ફરીયાદના આધારે ચીલોડા પોલીસે 54 ગ્રામ જેટલો ગાંજો જપ્ત કરી કોન્સ્ટેબલ મહેન્દ્ર પાટીલની NDPS નાં ગુનામાં ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.