જુની પેન્શન યોજનાની માંગ સાથે વખતોવખત આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓની આશા પર પૂર્ણવિરામ મુકાઈ ગયુ હોય તેમ કેન્દ્રીય નાણાંસચીવ ટી.વી.સોમનાથને સ્પષ્ટ કર્યુ કે આર્થિક રીતે જુની પેન્શન યોજના શકય નથી અને જે લોકો સરકારી નોકરીમાં નથી તેઓને અન્યાયરૂપ છે.તેઓએ જણાવ્યું હતું કે, પોતે નાણા મંત્રાલયનાં અધિકારી તરીકે બોલે છે બાકી આખરી નિર્ણય સરકાર કરશે.
જુની પેન્શન સ્કીમ દાખલ કરવાથી સામાન્ય લોકો પર નકારાત્મક અસર પડી શકે. જોકે સરકારી કર્મચારીઓ માટે અન્ય સારા પગલા લઈ શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓના દબાણ પછી કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની પેન્શન યોજનાની સમીક્ષા કરવા તથા નેશનલ પેન્શન સ્કીમમાં જરૂરી સુધારા સુચવવા માટે નાણાંસચીવ સોમનાથનના વડપણ હેઠળ કમીટીનું ગઠન કર્યુ હતું.
તેઓએ કહ્યુ કે, જુની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકારી બજેટનાં મોટાભાગનાં નાણાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન માટે જ ફાળવવા પડે. સરકારે ટેકસ ઉઘરાવવાનું અને તે નાણાં કર્મચારીઓને દઈ દેવાનું કામ કરવાનો ઘાટ સર્જાઈ શકે.
પેન્શનનો ભાર ભવિષ્યની પેઢી પર તથા નવી સરકારો પર પડી શકે. જોકે, નવી પેન્શન સ્કીમમાં કર્મચારીઓની થોડી ઘણી આશા સંતોષાય શકે છે.જોકે તેનાંથી પણ સરકાર પર આર્થિક બોજ વધી શકે છે.
તેઓએ સ્પષ્ટ કર્યું કે, નેશનલ પેન્શન સ્કીમ વિશે કર્મચારી સંગઠનો તથા રાજય સરકારો વચ્ચે પોઝીટીવ વાતચીત થઈ છે. એનપીએસ પર બનેલી કમીટીનું કામ હજુ પૂર્ણ થયુ નથી. કર્મચારી સંગઠનો તથા રાજય સરકારો સાથે પણ વાત કરી શકે છે.
સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજનાના મુખ્ય ત્રણ મુદ્દા વિશેષ ચિંતીત છે. એનપીએસ શેરબજાર સાથે સંલગ્ન હોવાથી વધઘટનું જોખમ રહે છે. કેટલુ પેન્શન મળે છે તે નિશ્ચિત હોવુ જોઈએ. નિવૃતિ બાદ મોંઘવારીનો સામનો થઈ શકે તે માટે મોંઘવારી ભથ્થા જેવી જોગવાઈ કરવામાં આવે અન્યથા પેન્શનનું વાસ્તવિક મૂલ્ય ઘટતુ રહેશે.કર્મચારીએ 30 વર્ષની નોકરી કરી ન હોય તો તેવા કિસ્સામાં ન્યુનતમ પેન્શન નકકી કરવામાં આવે.