નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય સાથે ગુજરાત@2047નો રોડ મેપ રજૂ કર્યો હતો. તે સાથે જ ગુજરાતને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલરની અર્થ વ્યવસ્થા બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રિટ)ની સ્થાપના કરશે તેવી જાહેરાત પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સીએમ પટેલે જણાવ્યું હતું કે, ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ એમ બે પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોના જીવન સ્તરને સર્વોત્તમ બનાવવા અને તેમની સમૃદ્ધિને અર્થ વ્યવસ્થામાં સહભાગી બનાવવાનાં લક્ષ્ય સાથે સરકાર આગળ વધવા માગે છે. ગુજરાત@2047નો રોડ મેપ આયોજીત રીતે સિધ્ધ કરવા થિન્ક ટેન્ક તરીકે ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરાશે તેમ જણાવ્યું હતું. દેશની જનસંખ્યાના પાંચ ટકા જેટલી વસ્તી ધરાવતા ગુજરાતે 2022-23ના વર્ષમાં જી.ડી.પી.માં 8.3 ટકાનું યોગદાન આપ્યું છે.
આયોગની બેઠકમાં તેમણે રાજ્યમાં ચાલતા પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટ, આરોગ્ય, નારી ગૌરવનીતિ, શ્રીઅન્ન (મિલેટ), પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, એમ.એસ.એમ.ઈ., અમૃત સરોવર જેવા ક્ષેત્રોમાં સરકારની સિદ્ધિઓ અને વિઝન માટેના નક્કર આયોજનોની વિસ્તૃત ભૂમિકા પણ રજૂ કરી હતી. સીએમ પટેલે કહ્યું હતું કે, પીએમ મોદીના ગ્રીન ગ્રોથના લક્ષ્યાંકને અમલી બનાવવા સોલાર રૂફટૉપ સ્કીમના વ્યાપક અમલ અને કચ્છમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા ગુજરાત તે ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. મુખ્ય સચિવ રાજકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
સીએમ પટેલે જણાવ્યું હતું કે, આપણા ઉત્પાદનો વૈશ્વિક કક્ષાના હોય અને માત્ર દેશની સપ્લાય ચેઇનનો હિસ્સો ન બની રહે પરંતુ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પણ મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકે તે જરૂરી છે. ગુજરાત સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધતા તેનો લાભ સમગ્ર દેશને થશે તેમ કહેતા ગુજરાતમાં દેશની પ્રથમ સેમિ કન્ડક્ટર ચીપનું ઉત્પાદન થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારત@2047 માટે જરૂરી ઇકો સિસ્ટમને વેગ આપવા સેમિ કન્ડક્ટર્સ, બ્લોક ચેઈન અને એ.આઈ. જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં આજની યુવા પેઢીને કૌશલ્ય વિકાસ યોજનાના માધ્યમથી તાલીમબદ્ધ કરવા સરકારે ફોકસ કર્યું હોવાનું જણાવ્યું હતું.