સુરત ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વના ફલક ઉપર ડંકો વગાડી ચૂક્યું છે. સુરત શહેરને વિશ્વનું ટ્રેડિંગ હબ બનાવવા માટે સુરત ડાયમંડ બુર્સનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વકક્ષાના બનેલા આ બિઝનેસ હબને કારણે હવે ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય સ્તરથી સીધો સંપર્ક ડાયમંડ બુર્સનો થવાનો શરૂ થયો છે. ડાયમંડ બુર્સમાં સૌથી વધુ વિદેશી બાયર્સની અવર જવર રહેશે. તેમજ અન્ય રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આવશે. ત્યારે કેટલીક વ્યવસ્થાઓની જરૂરિયાત ઊભી થતી હોય છે. જે પ્રમાણે ગિફ્ટ સિટીની અંદર લીકરની મંજૂરી મળી છે તેવી રીતે સુરત ડાયમંડ બુર્સમાં પણ લીકરની મંજૂરી મળવી જોઈએ કે કેમ તે અંગે હાલ ચર્ચા શરૂ થઈ છે. ત્યારે ડાયમંડ બુર્સના બાંધકામ સમિતિના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, હીરાના ઉદ્યોગને આગળ વધારવા દારૂની કોઈ જરૂરિયાત નથી. આ માટે સરકાર પાસે કોઈએ દારૂની છૂટની મંજૂરી પણ માગી નથી.
ડાયમંડ બુર્સના બાંધકામ સમિતિના અધ્યક્ષ અને ધર્મનંદન ડાયમંડના માલિક લાલજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયો છે અને ધીરે ધીરે હવે ઓફિસ પણ શરૂ થઈ રહી છે. આજદિન સુધી અમે ક્યારેય પણ લિકરના મુદ્દે ચર્ચા કરી નથી. અત્યારે 250 કરતાં વધુ ઓફિસો શરૂ થઈ ગઈ છે. હીરા ઉદ્યોગને આગળ વધારવા માટે ડાયમંડ બુર્સમાં લિકરની મંજૂરી મેળવીને વિદેશી બાયર્સને આ પ્રકારની સુવિધા આપવાનું ક્યારેય વિચાર્યું નથી. હાલના તબક્કે હીરા ઉદ્યોગને આગળ વધારવા માટે અમને લિકરની પરમિશનની કોઈ જરૂરિયાત જણાતી નથી. સુરત ડાયમંડ બુર્સના બાંધકામથી લઈને આજ દિન સુધીમાં આ મુદ્દે ક્યારેય પણ કોઈ ચર્ચા થઈ નથી.
ડ્રીમ સિટીમાં અન્ય ઘણા પ્રોજેક્ટ આવશે લાલજીભાઈ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રીમ સિટી સુરતની અંદર બીજા ઘણા ટેક્સટાઈલ પાર્ક સાથેના ઘણા પ્રોજેક્ટ કાર્યરત થશે. ડ્રીમ સિટી અંતર્ગત હાલ સુરત ડાયમંડ બુર્સ નિર્માણ થયું છે. ડ્રીમ સિટીમાં અન્ય બીજા પાર્ક આવશે ત્યારે જરૂરિયાત જણાશે ત્યારે જે-તે સમયે નિર્ણય થશે. પરંતુ હાલના તબક્કે લીકર પરમિશનની સુરત ડાયમંડ બુર્સમાં કોઈ જરૂરિયાત અમને જણાતી નથી. લીકર પરમિશન અંગે અમે કોઈપણ પ્રકારનો વિચાર કર્યો નથી.
સ્વાભાવિક છે કે, ગિફ્ટ સિટીમાં જે પ્રકારનો નિર્ણય લેવાયો તેવી રીતે સુરત ડાયમંડ બુર્સ માટે પણ નિર્ણય લેવાઈ શકે તેવી પણ શક્યતા ચર્ચામાં હતી. સુરતનો ડાયમંડ ઉદ્યોગ સીધો વિદેશ સાથે જ જોડાયેલો છે. સ્વાભાવિક છે કે, વિદેશથી આવનારા લોકો સુરત ડાયમંડ બુર્સની સીધી મુલાકાત લઈને ત્યાં જ ડાયમંડનો વેપાર કરી શકે છે. આવી સ્થિતિમાં વિદેશથી આવતા લોકો માટે તમામ પ્રકારની સુવિધા હોવી પણ જરૂરી છે. જેના ભાગરૂપે લિકર માટેની પરમિટ હોય તો તે પણ તેમને સુવિધાના ભાગરૂપે આપવામાં આવે. પરંતુ હાલની જે સુરત ડાયમંડ બુર્સની કમિટી છે તેના દ્વારા આ દિશામાં કોઈપણ વિચાર કરવામાં આવ્યો નથી. ભલે વિદેશ સાથે જોડાયેલો બિઝનેસ હોવા છતાં લિકરની પરમિશનની કોઈ જરૂરિયાત દેખાતી નથી. સુરત ડાયમંડ બુર્સ સમગ્ર વિશ્વની સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાના ભાગરૂપે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવાનો પડકાર હજી પણ
કમિટી સામે દેખાય રહ્યો છે. વૈશ્વિક સ્તરો પર ડાયમંડ
ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છે. સુરતમાં ડાયમંડ ઉદ્યોગની
સ્થિતિ હાલ સારી નથી ત્યારે સ્વાભાવિક છે કે, જે મિનિ
બજાર, ચોક્સી બજાર અને મહીધરપુરામાં જે નાના
વેપારીઓ છે તેઓ હાલ ત્યાં જ રહીને વ્યવસાય કરી રહ્યા
છે. ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ આવે ત્યારે તેઓ
ડાયમંડ બુર્સ તરફ જાય તેવી એક શક્યતા રહેલી છે. પરંતુ
હાલની સ્થિતિ જોતા સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા
કરવામાં આવેલા પ્રયાસોને વધુ સફળતા મળતી દેખાતી નથી.
વિશ્વ કક્ષાનું ઓફિસ બિલ્ડિંગ તો ઊભું કરી દેવાયું છે પરંતુ
હજી ભવિષ્યને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
નાના નાના ડાયમંડના વેપારીઓ, દલાલોને ડાયમંડ બુર્સ તરફ
લઈ જવા માટેના અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ
હજી એમાં અપેક્ષા મુજબની સફળતા મળી નથી.