બાંગ્લાદેશમાં ભારે અશાંતિ વચ્ચે, મ્યાનમારના રખાઈન રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા હુમલામાં 200 થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલો મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદ પર આવેલા રખાઈન રાજ્યમાં ત્યારે થયો જ્યારે રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે બચી ગયેલા લોકોને આ હુમલા વિશે પૂછવામાં આવ્યું, તો તેઓએ તેના માટે અરાકન આર્મીને જવાબદાર ગણાવી.
અરાકન આર્મી એ, મ્યાનમારમાં રખાઈન વંશીય જૂથની લશ્કરી શાખા છે. જો કે, આ સેનાએ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.
આ હુમલો ત્યારે થયો, જ્યારે કેટલાક રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશની સરહદે આવેલા વિસ્તારમાં એક નદી પાસે બોટની રાહ જોઈ રહ્યા હતા. આ હુમલો બાંગ્લાદેશ સરહદ નજીક મ્યાનમારના પશ્ચિમ રખાઈન રાજ્યમાં થયો હતો. લોકો બચવા સીધા નદીમાં કૂદી પડ્યા. આ લોકો બાંગ્લાદેશમાં નાફ નદી પાર કરીને મંઉંગડો શહેરમાં ભીષણ લડાઈથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
શુક્રવારે, 9 ઓગસ્ટના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં, આંતરરાષ્ટ્રીય તબીબી સહાય જૂથ, ડોકટર્સ વિથાઉટ બોર્ડર્સે જણાવ્યું હતું કે, તેઓ રોહિંગ્યા મુસ્લિમોની તેમના પર હુમલા બાદ સારવાર કરી રહ્યા છે અને ઘાયલ લોકોની સંખ્યા વધી રહી છે. સારવાર હેઠળ રહેલા લોકો એવા છે, જેઓ સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં પ્રવેશવામાં સફળ થયા છે.
અરાકન આર્મીએ, નવેમ્બર 2023 માં તેનું રખાઈન આક્રમણ શરૂ કર્યું અને પાડોશી ચીન રાજ્યમાં એક સહિત 17 માંથી નવ ટાઉનશીપ પર નિયંત્રણ મેળવ્યું. તે જૂનથી સરહદી શહેર માઉંગડો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
2017 માં, લશ્કરી આતંકવાદ વિરોધી કામગીરીએ રોહિંગ્યા સમુદાયના ઓછામાં ઓછા 740,000 લોકોને, સલામતી માટે બાંગ્લાદેશ ભાગી જવાની ફરજ પડી હતી. પરંતુ 7 વર્ષ પછી, તેઓ હજી પણ ત્યાં કેમ્પમાં રહેવા માટે મજબૂર છે, તેઓ મ્યાનમાર પાછા આવવા માંગે છે પરંતુ દેશમાં અસ્થિર પરિસ્થિતિને કારણે, તેઓ તેમ ન કરવા મજબૂર છે.