વર્ષ 2036માં ભારતની વસ્તી 152.2 કરોડ સુધી પહોંચી શકે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે આ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર 2036 સુધીમાં લિંગ ગુણોત્તર પ્રતિ 1000 પુરૂષે સ્ત્રીઓની સંખ્યા 952 થવાનો અંદાજ છે. 2011ની વસ્તી ગણતરીમાં આ આંકડો 943 હતો.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વસ્તીમાં મહિલાઓની ટકાવારીમાં પણ થોડો સુધારો જોવા મળી શકે છે.
વર્ષ 2036માં મહિલાઓની ટકાવારી વધીને 48.8% થવાની ધારણા છે. 2011 માં તે 48.5% હતો.
ફર્ટિલિટી દરમાં ઘટાડાને કારણે, વર્ષ 2011ની સરખામણીએ વર્ષ 2036માં 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું પ્રમાણ ઘટવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, કુલ વસતીમાં 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોનું પ્રમાણ ઝડપથી વધી જશે. યુનાઈટેડ નેશન્સ (UN)ની આરોગ્ય એજન્સી યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)એ એપ્રિલ 2024માં એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે છેલ્લા 77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થઈ ગઈ છે. તે 144.17 કરોડ પર પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 2006-2023 વચ્ચે 23% લોકોના બાળલગ્ન થયા છે. બીજી તરફ, પ્રસુતી દરમિયાન મહિલાઓના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષની શરૂઆતમાં ભારતે 1425 મિલિયનની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનને પાછળ છોડી દીધો હતો.
2011ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તી 121 કરોડ નોંધાઈ હતી. રિપોર્ટ અનુસાર, ભારતની કુલ વસ્તીના 24% લોકો 0-14 વર્ષની વયના છે. 15-64 વર્ષની વયના લોકોની સંખ્યા સૌથી વધુ 64% છે. 1લી જાન્યુઆરી, 2024 થી, વિશ્વની વસ્તી 8 અબજને વટાવી ગઈ છે. 1 જાન્યુઆરી 2023ના રોજ આ આંકડો 7.94 અબજ હતો. અમેરિકાના સેન્સસ બ્યુરોએ એક રિપોર્ટમાં આ દાવો કર્યા મુજબ, વર્ષ 2023માં વિશ્વની વસ્તીમાં લગભગ 75 મિલિયનનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, વિશ્વમાં દર સેકન્ડે 4.3 લોકો જન્મે છે, જ્યારે દર સેકન્ડે 2 લોકો મૃત્યુ પામે છે.
આ અહેવાલ અનુસાર, 15મી સામાન્ય ચૂંટણી (1999) સુધીમાં 60% કરતા પણ ઓછી મહિલાઓએ મતદાનમાં હિસ્સો લીધો હતો. તે જ સમયે, પુરુષોની મતદાન ટકાવારી મહિલાઓની સરખામણીએ 8% વધુ હતી. જો કે, 15 વર્ષ પછી, 2014ના મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધીને 65.6% થઈ ગઈ હતી. 2019માં આ આંકડો વધીને 67.2% પર પહોંચી ગયો હતો.