દેશભરમાં સાયબર ક્રિમિનલ્સ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે રોજ નવી નવી રીતો શોધી કાઢે છે. આજકાલ સાયબર ક્રિમિનલ્સ લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ કોઈને કોઈ વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ એ સાયબર ફ્રોડનો એક પ્રકાર છે જેમાં ગુનેગારો લોકોને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ઓનલાઈન લૂંટારુંઓ ક્યારેક નકલી IPS તો ક્યારેક CBI ઓફિસર બનીને હાઈપ્રોફાઈલ લોકોને દેશદ્રોહી, આતંકવાદી, બળાત્કારી, દાણચોર કહીને લાખો અને કરોડો રૂપિયાની લૂંટ ચલાવે છે. કલાકો સુધી ઘરમાં બંધ રહેવા મજબૂર કરી દે છે. ત્યારે હવે અમદાવાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના બિલ્ડર ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા. અમદાવાદના બિલ્ડર પાસેથી સાયબર ગઠિયાઓએ 1 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓ પાર્સલમાં MD ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. સાયબર ક્રિમિનલ્સે પોતાને દિલ્લી પોલીસ અને CBIના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. ગઠિયાઓએ બિલ્ડરને કહ્યું કે તેમના પાર્સલમાં MD ડ્રગ્સ મળ્યું છે. આમ કહીને સાયબર ગઠિયાઓએ અમદાવાદના બિલ્ડર પાસેથી 1 કરોડની રકમ પડાવી લીધી હતી. ત્યારે પોલીસે આ સાયબર ક્રિમિનલ્સની ગેંગને ઝડપી લીધી. સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનની ગેંગને ઝડપી લીધી અને આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમની આ નવી રીતમાં સાયબર ઠગ લોકોને ઓડિયો અથવા વીડિયો કૉલ કરીને AI જનરેટેડ વૉઇસ અથવા વીડિયો કોલ દ્વારા અને પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરીને, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB), સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અધિકારીઓ અથવા કસ્ટમ અધિકારી હોવાનો દાવો કરે છે. સાયબર ઠગ લોકોને ફસાવવા માટે ઘણી યુક્તિઓનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, સાયબર ઠગ્સ પીડિતને કહે છે કે તમે ચાઇલ્ડ પોર્ન જોયું છે અથવા તમારા આધાર કાર્ડ નંબર, પાન નંબરનો ડ્રગ બુકિંગ કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પછી ડિજિટલ ધરપકડના નામે લોકોને પૂછપરછ માટે વીડિયો કોલ પર વાત કરવાનું કહેવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં સાયબર ઠગ્સ પોલીસ સ્ટેશન જેવું સેટઅપ બનાવે છે અને પોલીસ યુનિફોર્મમાં બેસી જાય છે, જેના કારણે લોકોને બધું વાસ્તવિક લાગે છે. સાયબર ઠગ લોકોને ધમકી આપે છે કે જો તેઓ સમગ્ર તપાસ દરમિયાન તેમના પરિવાર કે મિત્રોને આ વિશે જણાવશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવાં પડશે. આ રીતે સાયબર ગુનેગારો લોકોને કલાકો સુધી ડિજિટલ સ્પેસમાં કસ્ટડીમાં રાખે છે. આ ઠગ ટોળકી આઇકાર્ડ દેખાડે છે અને કડકડાટ અંગ્રેજીમાં વાત કરે છે. જે પણ એજન્સીના અધિકારીને કૉલ ટ્રાન્સફર કરે છે તેના બેકડ્રોપ પર એજન્સીનો લોગો દેખાય છે. સાયબર તપાસ સાથે જોડાયેલા એક અધિકારી અનુસાર ખૂબ જ શિક્ષિત, ઉચ્ચ પદ પર રહેલા તેમજ નિવૃત્ત લોકો કાયદાનું સન્માન વધુ કરે છે. તેઓ આ સાયબર ગુનેગારોને અસલી અધિકારી માની બેસે છે. જ્યારે દેશમાં ફોન પર આવી તપાસ કે પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ જોગવાઈ નથી.
ભારત સરકારે ડિજિટલ અરેસ્ટ અંગે અખબારોમાં જાહેરાત આપી છે. આ જાહેરાતની મદદથી લોકોને ડિજિટલ અરેસ્ટ સામે જાગૃત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાની જાહેરાતમાં કહ્યું કે, ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. આગળ લખવામાં આવ્યું હતું કે, CBI, ED, પોલીસ, જજ વીડિયો કોલની મદદથી તમારી ધરપકડ નહીં કરી શકે. આવા કેસ માટે તમે www.cybercrime.gov.in પર તમારો રિપોર્ટ નોંધાવી શકો છો. સરકારે લોકોને કટોકટીના સમયે મદદ લેવા માટે 1930 ડાયલ કરવાનું પણ કહ્યું છે. ગૃહ મંત્રાલયે પણ એક ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે જેથી કરીને તમે આવા મામલાથી પોતાને બચાવી શકો.