ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માગ સાથે શિક્ષકો લાંબા સમયથી રજૂઆત અને આંદોલન કરી રહ્યા છે. 1-4-2005 પહેલાં જાહેરાત આવી હોય અને નિમણૂક થઈ હોય તેવા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માગ કરવામાં આવી છે. આજે ફરી એકવાર રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા છે. શિક્ષકોની રજૂઆત છે કે, થોડા સમય પહેલાં જ્યારે રાજ્ય સરકાર સાથે બેઠક થઈ ત્યારે સરકારે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવાની બાંયધરી આપી હતી. પરંતુ, ઠરાવ ન કરતા આજે ધરણાં પર બેસવું પડ્યું છે. જો સરકાર માગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં પણ શિક્ષકોએ ધરણાં યોજ્યાં છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં શરૂ કર્યાં છે. જૂની પેન્શન યોજના(OPS) લાગુ કરવા માટે આજે શિક્ષકો ભેગા થયા છે. ‘એક હી વિઝન, એક હી મિશન’ જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી NPS નાબૂદ કરવા અને OPS લાગુ કરવા માટે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને OPS અંગે રજૂઆત કરી ચૂક્યા છે. જોકે, કોઈ સમાધાન ન આવતા આજે ફરી શિક્ષકો સત્યાગ્રહ છવાણી ખાતે આંદોલન અર્થે ભેગા થયા છે.
પ્રાંત મહિલા ઉપાધ્યાક્ષ પલ્લવી પટેલે જણાવ્યું કે, 2005
પહેલાંની જે જૂની પેન્શન યોજનાને સરકારે અગાઉ ધરણાં
કાર્યક્રમ વખતે સ્વીકારી હતી, છતાં વારંવાર મહાસંઘ દ્વારા
રજૂઆત કરી છતાં પણ લાગુ નથી પડાઈ. જેથી આજે
ખૂબ મોટી સંખ્યામાં અમે ધરણાં કર્યાં છે. પેન્શન એ દરેકનો
અધિકાર છે. ગયા વર્ષે પણ અમે સરકારને વિનંતી કરી હતી,
છતાં ગુજરાતની સરકારે આપેલું વચન પાળ્યું નથી. જેથી
અમે ફરીથી સરકારને યાદ કરાવવા આવ્યા છીએ. આજ
સાંજ સુધી અમારી માંગણીને સ્વીકારો. અમારી જૂની પેન્શન
યોજનાની જે માંગણી છે જે પુનઃ 2005 પહેલાંનાઓને
તો આપો જ અને 2005 પછીના શિક્ષકો પણ આ પેન્શન
લેવાના હકદાર છે તો તેઓને પણ પેન્શન આપો. આ
અમારી માંગણી પૂરી કરો.
ગુજરાત રાજ્ય અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે અગાઉ મહા પંચાયતનું આંદોલન કર્યું હતું. આજે આ મહા આંદોલન કર્યું છે. અગાઉ હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એમના બંગલે બોલાવી ઠરાવ કરવા માટે આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી. આજે અમે સાંજના 5 વાગ્યા સુધી ધરણાં કરીશું. સરકારમાંથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહિ આવે તો અમે જલદ આંદોલન પણ કરીશું. સરકાર જલદી જૂની પેન્શન યોજના માટે ઠરાવ કરે તેવી અમારી માંગ છે.
રાજ્ય સરકાર દ્વારા થયેલા સમાધાન અનુસાર અત્યાર સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક 400થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ 1-4-2005 પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂપાંતર, HTATના બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો 1:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 4200 ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તારીખ 1-4-2005 પહેલાં નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓને ઠરાવ બહાર ન પાડતા તથા અન્ય પડતર પ્રશ્ન ન ઉકેલાતા આજ રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો ધરણા પર ઊતર્યા છે.