ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ અરજદારોએ વર્ષ 2020માં જુદા-જુદા પોલીસ મથકે તેમની સામે થયેલી કુલ 5 ફરિયાદો રદ કરવા એડવોકેટ આર.બી ઠાકોર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજદારો સામે IPCની કલમ 120(B) 505(1)(B), ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-54 અને પોલીસ એક્ટની કલમ-3 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. અરજદારની દલીલો માન્ય રાખીને ગુજરાત હાઇકોર્ટે ત્રણેય અરજદારો સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. કેસને વિગતો જોતા પોલીસ કોન્સ્ટેબલો દ્વારા ગ્રેડ પે વધારાને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત ત્રણ અરજદારોએ ટેલિગ્રામ ચેનલ બનાવી હતી. જેની લીંક દ્વારા હજારો પોલીસ કર્મચારીઓ તેમાં જોડાયા હતા. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશથી આ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સૌપ્રથમ પ્રાથમિક શાળાના શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે આંદોલન કર્યું હતું. જેની માંગ સરકારે માન્ય રાખી હતી. ટેલિગ્રામ ગ્રુપ બનાવવું કે પોલીસના અધિકારોની વાત કરવી તેને ગુનો કહી શકાય નહીં. પોલીસ કોન્સ્ટેબલોએ 2800 ગ્રેડ પે માટે આંદોલન કર્યું હતું. અરજદારો સામે ફરિયાદ નોંધીને તેમના વાણી સ્વતંત્રતાના હકકને દબાવવાનો પ્રયત્ન કરાયો છે. વળી એક જ ગુના માટે અલગ અલગ ફરિયાદ ના થઈ શકે તેમછતાં ત્રણ આરોપીઓ સામે કુલ 5 ફરિયાદ થઈ છે. ઘણા ધારાસભ્યોએ પણ પોલીસની માંગને યોગ્ય ગણીને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ સમયગાળો કોવિડ-19નો હોવા છતાં લોકોમાં ભય પ્રેરવાનો પ્રયત્ન આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો હતી. આરોપીઓએ બનાવેલા ગ્રુપમાં 33,000 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિ છે. તેની પાછળ કોઈ રાજકીય એજન્ડા પણ હોઈ શકે. કોઈ પોલીસ કર્મચારીએ ગ્રેડ પે માગ્યું ન હતું. જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને નોંધ્યું હતું કે, અરજદારોએ બનાવેલી ટેલિગ્રામ ચેનલમાં પોલીસ કર્મચારીઓ જાતે લિંકથી જોડાયા હતા. અરજદારોએ કોઈને જોડ્યા ન હતા. આમાં અરજદારોનો કોઈ ખાનગી કે જાહેર હિત વિરુદ્ધનો હેતુ નહોતો. પોતાના યોગ્ય વિચારો રજૂ કરવા નાગરિકોનો હક છે. પોલીસ કોન્સ્ટેબલો કોઈપણ આવા ગ્રુપમાં ન જોડાઈ એવો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો આદેશ હતો પરંતુ, અહીં અરજદાર કોઈ પોલીસ કર્મચારીને વ્યક્તિગત ઓળખતો નહોતો કે જોડાયેલા પોલીસ કર્મચારીઓ અરજદારોને વ્યક્તિગત ઓળખતા હોય એવું પણ નહોતું. વળી નોકરી આપનાર સમક્ષ કર્મચારીઓ પોતાની યોગ્ય માંગ મૂકી શકે છે, તે કર્મચારીનો હકક છે. ફરિયાદમાં અરજદારોએ આવું કૃત્ય કોઈ સ્વાર્થી કે ખરાબ હેતુસર કર્યું હોય તેવું સિદ્ધ થતું નથી. જેથી કોર્ટે આરોપીઓ સામેની ફરિયાદ રદ કરી હતી.