વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું છે. જેના લીધે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફરેવાઇ ગયા છે. કોઇના ઘરોમાં પાણી છે તો રસ્તાઓ પર કમરસમા પાણી ભરાયા છે. અનેક વાહનો રમકડાની જેમ રસ્તા પર તરતા નજરે પડ્યા છે. આવામાં વડોદરામાં બીજો સૌથી મોટો ખતરો મગરનો છે.
કેમ કે, વિશ્વામિત્રી નદી એશિયાની એક માત્ર નદી છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં મગર છે. વિશ્વામિત્રીના પાણી સાથે શહેરમાં મગરો ઘૂસી જવાનો સૌથી મોટો સંકટ શહેરીજનોને સતાવી રહ્યો છે.
વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું શહેર છે. ઋષિ વિશ્વામિત્રના નામથી જાણીતી આ નદીનો એટલો પવિત્ર મહિમા છે કે વિશ્વામિત્ર ઋષિએ આ નદીના ઘાટ પર બેસીને ગાયત્રી મંત્રની રચના કરી હતી. જેથી જ આ નદી વિશ્વામિત્રી નદી તરીકે ઓળખાય છે. આ નદીની આસપાસ માનવ વસ્તી તો છે જ પરંતુ નદીની અંદર મગરોનું અસ્તિત્વ પણ વડોદરા શહેરની એક ઓળખ છે. વિશ્વામિત્રી નદીમાં 350થી 400 મગર હાલ વસવાટ કરે છે. એશિયામાં એક માત્ર વડોદરા શહેર એવું હશે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં અને એ પણ માનવ વસ્તી વચ્ચે મગર વસવાટ કરે છે. એટલે જ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે.
હાલ ચોમાસાની ઋતુ છે અને વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી મગર રહેણાંક વિસ્તારમાં લટાર મારતા હોય એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે તો નવાઇ નહીં. એક તરફ નાગરિકોમાં ભયનો માહોલ છે તો બીજી તરફ મગરોના હુમલાનો ફફડાટ પણ છે.
વડોદરા શહેરના અકોટા, સયાજીગંજ, કલાલી, વડસર, જામ્બુઆ, બિલ, ચાપડ, અનખોલ સહિતના અનેક વિસ્તાર અને આસપાસના તાલુકાઓમાં મગરોની માનવ વસ્તી વચ્ચે લટાર મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
સ્થાનિકો જણાવ્યું હતું કે, અમારા ઘર નજીકથી જ વિશ્વામિત્રી નદી પસાર થાય છે. જેના કારણે દર વર્ષે અહીં ચોમાસામાં મગરોનો ઉપદ્રવ વધી જાય છે. જોકે છેલ્લા સાત વર્ષમાં મગરોએ માનવીને નુકશાન પહોંચાડ્યું નથી, છતાં ડર તો લાગે જ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે લોકોએ જાતે જ સજાગ રહેવું પડશે. વન્ય જીવ હોવાથી તેને નુકસાન પણ ન પહોંચાડી શકાય એટલે અમે ખુદ જ અમારા બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખીએ છીએ.
વિશાલ ઠાકુરે છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વામિત્રીના મગરો પર અભ્યાસ કરી રહ્યા છે અને તેમની કાળજી લેવાનું બીડું તેમને ઝડપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રીમાં નવા નીર આવતાની સાથે જ પાણીના વહેણમાં મગર તણાઈ જતાં હોય છે. પાણીના ઝડપી પ્રવાહમાં મગરને તરવામાં ઘણી તકલીફ પડે છે. મગરને સૂર્ય પ્રકાશથી જ તાકાત મળે છે. ચોમાસામાં તડકો ન મળવાને કારણે મગર કમજોર થઈ જાય છે. જેથી જ તે વધુ મેહનત કરવાને બદલે પાણીના વહેતા પ્રવાહની સાથે સાથે આગળ વધતો જાય છે. મગરને શહેરમાં આવવાનો કોઈ શોખ નથી. માનવ વસ્તીમાં આવ્યા પછી મગર ખુદ ખૂબ ડરેલો હોય છે. પૂરની સ્થિતિમાં રહેણાંક વિસ્તારમાં જઈ ચડેલા મગરે કોઈ માણસ પર હુમલો કર્યો હોય એવો એક પણ બનાવ બન્યો નથી. વડોદરામાં મગરના હુમલા કરતા રોડ અકસ્માતમાં વધુ લોકો મૃત્યુ પામે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મગર એક સામાજિક પ્રાણી છે. આપણે તો ફક્ત પરિવાર સાથે રહીએ છીએ પરંતુ મગર તો પોતાના આખા સમાજ સાથે રહેવા ટેવાયેલા છે. માનવ વસ્તીમાં આવી ચડેલા મગરનું રેસ્ક્યૂ ન કરીએ તો પણ તે પોતાના નિયત સ્થાને એટલે કે એના ઘરે પહોંચી જ જશે. પરંતુ માણસ તેને નુકસાન ન પહોંચાડે એટલે માટે મગરને માનવ વસ્તીથી દૂર લઇ જવા રેસ્ક્યૂ કરવો પડે છે. મગરની વિચારશક્તિ ખૂબ મજબૂત છે. ધરતી પર મગર છેલ્લા 23 કરોડ વર્ષથી વસવાટ કરે છે. એટલે ધરતી પર આવતા તમામ પરિવર્તન મગરે ખૂબ નજીકથી જોયેલા છે. મગર જેટલો શાંત દેખાય છે એટલો જ તે વિચારશીલ અને બુદ્ધિશાળી છે. મગરને મૂરખ પ્રાણી સમજવું એ આપણી સૌથી મોટી ભૂલ છે.
એક તરફ લોકોમાં મગરનો ભય છે તો આજ વડોદરામાં એક વર્ગ એવો છે કે જેને મગરો પ્રત્યે પ્રેમ છે. મગર પ્રેમી સંજય સોનીએ જણાવ્યું હતું કે, મગરોના પ્રેમમાં જ તેમને વૈરાગ્ય જીવન અપનાવ્યું છે. મગર માનવી કરતા હજારો ગણા બુદ્ધિશાળી છે. મગર ક્યારેય પોતાનું ઘર ભૂલતા નથી. મગર ભલે પૂરમાં ભલે અજાણતા ગમે ત્યાં ભટકે પરંતુ તે ફરતો ફરતો પોતાના ઘરે પરત આવી જ જાય છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરના ખોરાકમાં મનુષ્ય આવતા જ નથી. એટલે લોકોએ મનમાંથી મગરનો ડર દૂર કરી દેવો જોઇએ. અત્યારે જે મગર રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે તે કોઈ શિકાર માટે નહીં બલ્કે પોતાના રક્ષણ માટે ત્યાં આવી રહ્યા છે. ચોમાસામાં વડોદરાના નગર માનવ વસ્તીમાં પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે. મગર આપડી સાથે રહે છે તો આપડે પણ એમની સાથે રહેતા શીખવું પડશે. મગર એ વડોદરાનું ગૌરવ છે. નદી પરના દબાણોને કારણે હવે મગરોના ઘર સમાન કોતરોનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. વડોદરાવાસીઓ એ હવે જાગવું પડશે અને કુદરતે આપેલી વિશ્વામિત્રી જેવી અમૂલ્ય દેનની જાળવણીનો સંકલ્પ લેવો પડશે.