ગેરવહીવટ અને નેતાઓના રોડ-શોમાં વેડફતા પૈસા પર કાપ મુકવો જોઈએ કે ગરીબ બાળકોના નાસ્તા પર?: રાકેશ હિરપરા
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે રોડ-રસ્તા, ખાણ-ખનીજ અને ગાયના ગોચરો ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓ હવે સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ ગયા જશે. જે મધ્યાહન ભોજન યોજના, જેનું નામ પીએમ પોષણ યોજના રાખવામાં આવ્યું હતું, તેમાં પોષણ પર કાપો મુકવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાતના સરકારી શાળાના ગરીબ બાળકોને જે એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો, તેમાંથી હવે એક વખત નાસ્તા પર કાપ મુકવામાં આવ્યો છે. અને પાછળ એક ચોંકાવનારું કારણ આપવામાં આવ્યું છે, અને આ કારણ ગંભીર અને હાસ્યસ્પદ પણ છે. પૈસા બચાવવા માટે આ યોજના પર કાપ મુકવામાં આવ્યો છે, આ યોજનાના કારણે નકારાત્મક અસરો પડી રહી છે, અને વૈકલ્પિક યોજના શરૂ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. આમ આમ કહીને શાળાના બાળકોના નાસ્તાની બાદબાકી કરી દેવામાં આવે છે.
એક તરફ વારંવાર કુપોષણના આંકડાઓ આવી રહ્યા છે બીજી તરફ સરકાર પૈસા બચાવવા માટે બાળકોના નાસ્તા પર કાપ મૂકી રહી અને ગુજરાતના તમામ મોટા મોટા પેપરોમાં પોતાનું પાપ છુપાવવા માટે “પોષણ પોષણ” નામની જાહેરાતો આપી છે. આ ખોટી જાહેરાતોના તેઓ પૈસા બચાવવા માંગતા નથી. રોડ રસ્તા ખાઈ જવા છે, ભ્રષ્ટાચાર કરવા છે, ગેરવહીવટ કરવામાં જે પૈસા જાય છે, તે પૈસા સરકારને બચાવવામાં રસ નથી. બાળકોને જે ખોરાક આપવાનો છે તે પ્રજાના ટેક્સના પૈસાથી આપવાનો છે, તેમાં શા માટે ભાજપના નેતાઓ કાપ મૂકી રહ્યા છે? માટે ગુજરાતના તમામ ઇમાનદાર અને પ્રમાણિક નાગરિકો તરફથી અમારી માંગણી છે બાળકોના નાસ્તા પર કાપ મૂકવામાં ન આવે અને ભ્રષ્ટાચારો, ગેરવહીવટો, નેતાઓના રોડ શો અને તાઇફાઓ ઉપર કાપ મુકવામાં આવે.