અમેરિકામાં ગુજરાતીઓના અમુક વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર આ વિડીયો સાઉથ કેરોલાઈનાના એન્ડરસન સિટીમાં આવેલા એક ગુજરાતીના સ્ટોરનો છે, જેમાં સ્ટોરમાં કામ કરતા એક ગુજરાતીને બીજો કોઈ ગુજરાતી ફટકારી રહ્યો છે.
થોડા દિવસો પહેલાની જ આ ઘટનામાં જે વ્યક્તિ આ વિડીયોમાં માર ખાતો દેખાઈ રહ્યો છે તેનું નામ હર્ષ છે અને જે વ્યક્તિ તેને મારી રહ્યો છે તેની પત્નીને હર્ષ ભગાડી ગયો હતો.
એવું પણ જાણવા મળ્યું છે કે, ગુજરાતથી 2024ના વર્ષમાં જ વાયા મેક્સિકો થઈને ઈલીગલી અમેરિકા ગયેલા હર્ષનું અમેરિકામાં રહેતી એક પરિણિત મહિલા સાથે અફેર ચાલી રહ્યું હતું.
બે બાળકોની મા એવી આ મહિલાના લગ્ન મૂળ મહેસાણાના એક યુવક સાથે થયા હતા અને તે પોતાના પતિ સાથે આઠેક વર્ષ પહેલા અમેરિકા ગઈ હતી. વાયરલ વિડીયોમાં હર્ષ નામનો જે વ્યક્તિ માર ખાઈ રહ્યો છે તે મૂળ કડીનો હોવાની જાણકારી સામે આવી છે.
હર્ષનું અમેરિકામાં રહેતી જે યુવતી સાથે અફેર હતું તેની સાથે તેનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા થયો હતો. સૂત્રોનો એવો પણ દાવો છે કે, હર્ષને અમેરિકા બોલાવવા માટે તેની પરિણિત પ્રેમિકાએ તેને 80 હજાર ડોલર પણ આપ્યા હતા અને તેના માટે તેણે પોતાના જ પતિને ચૂનો લગાવ્યો હતો.
નવાઈની વાત એ છે કે, હર્ષ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચ્યો તેના થોડા જ દિવસોમાં તેની પ્રેમિકા સોલો ટ્રીપ પર જવાનું બહાનું કાઢીને તેની સાથે રહેવા જતી રહી હતી અને તેણે પોતાના પતિને ફોન પર જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું.
જોકે, મહિલાના પતિને આ અંગે જાણ થઈ જતાં તેણે હર્ષ સાઉથ કેરોલાઈનામાં જે સ્ટોરમાં જોબ કરતો હતો તેનું એડ્રેસ શોધી કાઢ્યું હતું અને તે સ્ટોર પર જઈને તેને ફટકારીને તેના કપડાં ફાડી નાખ્યા હતા તેમજ તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો.પોતાના સ્ટોરમાં કામ કરતા હર્ષના આ કાંડની ખબર પડતાં તેના ઓનરે પણ તેને તે જ દિવસે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.