સ્કુલ વર્ધી રિક્ષામાં શાળાએ જતી ૧૬ વર્ષની વિદ્યાર્થિનીની સાથે શારીરિક અડપલા કરનાર રિક્ષા ચાલકની અટલાદરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દીકરીની ઉંમરની વિદ્યાર્થિની પાસે બીભત્સ માંગણી કરનાર ૫૦ વર્ષના રિક્ષા ચાલકને પણ બે સંતાનો છે.શહેર નજીક રહેતા પરિવારની ૧૬ વર્ષની દીકરી ધો.૧૧માં અલકાપુરીની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે.
૩ ઓગસ્ટથી સ્કૂલ શરૃ થઇ ત્યારથી તેના દાદા રોજ તેને મોપેડ પર લેવા મૂકવા જતા હતા. પરંતુ, છેલ્લા ૧૫ દિવસથી સ્કૂલ રિક્ષા બાંધી હતી. તેની સાથે નજીકમાં રહેતી એક છોકરી અને એક છોકરો પણ આ જ રિક્ષામાં જતા હતા. ગઇકાલે સવારે બંને બાળકો સ્કૂલે જવાના નહતા.
જેથી, ૧૬ વર્ષની વિદ્યાર્થિની તે વિસ્તારમાંથી એકલી જ સ્કૂલે ગઇ હતી. બપોરે સ્કૂલેથી છૂટીને ઘરે આવીને તે કપડા બદલતી હતી. તે દરમિયાન અચાનક તે રડવા લાગી હતી. માતાએ દીકરીને શાંત પાડી પૂછતા તેણે કહ્યું કે, રિક્ષા વાળા કાકા સ્કૂલેથી મને લઇને ઘરે આવતા હતા.
ત્યારે હું રિક્ષામાં એકલી હતી. રસ્તામાં રિક્ષાવાળા ઘનશ્યામ કાકાએ મને કહ્યું કે, તારી સાથે આશિકી થઇ ગઇ છે.જે રસ્તેથી રોજ આવતા હતા. તેના બદલે બીજા રસ્તે લઇ ગયા હતા.રસ્તામાં રિક્ષા ઉભી રાખીને મને કહ્યું કે, તને જ્યારે ઠીક લાગે ત્યારે બોલજે.આપણે સેક્સ કરીશું. ફરવા જઇશું.
તેમણે ચાલુ રિક્ષાએ મારા શરીર પર હાથ ફેરવવાનું શરૃ કરતા મેં તેઓને ટચ કરવાની ના પાડી હતી. ત્યારબાદ તેણે કહ્યું કે, હું એક કિસ કરી લઉં. મેં ના પાડી દીધી હતી. ત્યારબાદ તે રિક્ષા મેન રોડ પર લઇ આવ્યા હતા અને મને ઉતારીને ભાગી ગયા હતા. અટલાદરા પોલીસે રિક્ષા ચાલક ઘનશ્યામ રામસીંગભાઇ ગોહિલ (રહે. શ્યામ આઇકોન, શિવાંશ ચોક પાસે,કલાલી) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.