ત્રણ બસ રૂટ પર શરૂઆતમાં 20 બસો દોડાવવામાં આવશે,હાલમાં જે ટિકિટનો દર ચાલી રહ્યો છે તે જ ટિકિટના દર પર લોકો મુસાફરી કરી શકશે
અમદાવાદ
શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ હવે આગામી દિવસોમાં શહેરના SP રિંગ રોડ પર પણ દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલાં એટલે કે તારીખ 22 ઓક્ટોબરથી શહેરના SP રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી અસલાલી- સનાથલ સુધી 24 AMTSની નવા ત્રણ બસ રૂટ શરૂ કરવામાં આવશે.આ ત્રણ બસ રૂટ પર શરૂઆતમાં 20 બસો દોડાવવામાં આવશે. હાલમાં જે ટિકિટનો દર ચાલી રહ્યો છે તે જ ટિકિટના દર પર લોકો મુસાફરી કરી શકશે.
SP રિંગરોડ -1 પર અસલાલી સર્કલથી રણાસણ સર્કલ સુધીના 25.80 કિલોમીટરના રૂટ પર કુલ 47 બસ સ્ટેન્ડ નક્કી કરાયા છે.
રણાસણ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના 13.70 કિલોમીટરના રૂટમાં 20 બસ સ્ટેન્ડ નક્કી કરાયા છે.
SP રિંગ રોડ -2 પર વૈષ્ણોદેવી સર્કલથી સનાથલ સર્કલ સુધીના 23,10 કિલોમીટરના બસ રૂટ પર AMTSની બસો દોડાવવામાં આવશે.
આગામી દિવસોમાં SP રિંગ રોડ -2 પર સનાથલ સર્કલથી અસલાલી સર્કલ સુધીના 14.30 કિલોમીટરના રૂટ પર શટલ બસ સેવા પણ શરૂ કરાશે.