ભાજપ કોર્પોરેટરના પુત્ર સહિત પાંચ મિત્રોએ યુવતીનો ન્યૂડ વીડિયો એકબીજા સાથે શેર કરતા ખડભડાટ મચી જવા પામ્યો છે. નફ્ફટ નબીરાઓએ યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. એક તરફ ભાયલીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો મામલો માંડ માંડ શાંત પડ્યો છે તેવામાં ખુદ ભાજપના જ કોર્પોરેટર ઘનશ્યામ પટેલના પુત્ર સામે યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપ્યાના ગંભીર આરોપ સાથે ફરિયાદ દાખલ થતાં વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો શહેરના તરસાલી વિસ્તારની યુવતીના કેટલાક અશ્લીલ વીડિયો પાંચેક મિત્રોએ એકબીજા સાથે શેર કર્યા હતા. અને બાદમાં યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેથી નબીરાઓથી કંટાળેલી યુવતીએ ગત તારીખ 14મીએ ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલના પુત્ર દર્શન પટેલ સહિત અન્ય ત્રણ યુવકો સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભોગ બનનાર યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ”જ્યારે તે સગીરા હતી ત્યારે તેઓ વર્ષ 2021થી માંડી વર્ષ 2023 દરમિયાન આ લોકો પાવાગઢ પાસે ફરવા ગયા હતા જ્યાં કોર્પોરેટરના પુત્ર સહિત તેના મિત્રોએ શારીરિક અડપલા કરી કેટલાક વીડિયો ઉતારી લીધા હતા અને બાદમાં એક ગ્રુપ બનાવી આ વીડિયો એકબીજા સાથે શેર કર્યા હતા. નબીરાઓએ જે તે વખતના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતા કંટાળેલી યુવતીએ આપઘાત કરી લેવાની તૈયારી કરી લીધી હતી અને ત્રણ પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી.
યુવતી કોઈ પગલું ભરે એ પહેલા આ નોટ પરિવારના હાથે લાગી જતાં તેને આપઘાત કરતા રોકી લેવાઈ હતી. પરિવારે યુવતીને હિંમત આપતા સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ પોલીસે રાજકીય દબાણને વશ થઈ કોઈ જ કાર્યવાહી ન કરતા આખરે પરિવારે હિન્દુ સંગઠનો પાસે મદદની ગુહાર લગાવી હતી. હિન્દુ સંગઠને પોલીસ સામે બાંયો ચઢાવતા આખરે મકરપુરા પોલીસે ઝૂકવું પડ્યું અને યુવતીને પરેશાન કરતા પાંચ યુવકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કરતાં પાંચ પૈકી બે વિદેશ જતા રહ્યા હોવાની હકીકત સામે આવી છે. જેમાં ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલના પુત્ર દર્શનનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર અગાઉ યુવતીની માતાએ વીડિયો વાઇરલ કરવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યાની રજૂઆત કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીનું કોર્ટ સમક્ષ નિવેદન લેવા નિર્ણય કરાયો છે. આ નિવેદન લેવાની પ્રક્રિયા બાદ જૂની ફરિયાદ પર તપાસ કરવી કે પછી નવી ફરિયાદ દાખલ કરવી તે અંગે નિર્ણય કરાશે.