રાજકોટ શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી સગીર વયની યુવતી કઈ રીતે પોતાનાથી આઠ વર્ષ મોટા યુવાનની મિત્રતામાં ફસાઈ હતી અને જાતીય સતામણીનો ભોગ બની હતી.
રાજકોટમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરનારી 14 વર્ષીય સગીરા સાથે તેના સોશિયલ મીડિયા ફ્રેન્ડ મહાવીરસિંહ ઉર્ફે હકો વાઘેલા નામના વ્યક્તિએ જાતીય સતામણી તેમજ બીભત્સ હરકતો કરી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે ભોગ બનનારની માતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 75 (2) તેમજ પોકસો સહિતની કલમ હેઠળ મજૂરી કામકાજ કરનારા મહાવીર સિંહ ઉર્ફે હકો વાઘેલા (ઉવ.22) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, સોમવારના રોજ પતિ પત્ની જ્યારે ઘરે હાજર નહોતા. તેમજ સગીરા એકલી હતી ત્યારે મહાવીર સિંહ ઉર્ફે હકો વાઘેલા તેમના ઘરે આવ્યો હતો. તેમજ ત્યારબાદ પોતાની દીકરીને હોઠે કીસ કરી, બાથ ભીડી, નાઈટી ઉતારી અડપલા કર્યા હતા.
ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, પાંચ મહિના પૂર્વે હું મારા બાળકોને લઈને સુરેન્દ્રનગરના પાટડી ગામ ખાતે દર્શન કરવા ગઈ હતી. ત્યાં અમે 15 દિવસ જેટલા રોકાયા પણ હતા. તે સમયે મારી દીકરી instagramના માધ્યમથી આશ્રમ ખાતે રહેતા મહાવીર સિંહ ઉર્ફે હકો વાઘેલા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. બંને એકબીજા સાથે instagramના માધ્યમથી મેસેજમાં વાતચીત કરતા હોવાની જાણ થતા મેં instagram એપ્લિકેશન ડીલીટ કરી નાખી હતી. તેમજ મારો ફોન મારી દીકરીને પણ આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ દીકરી અભ્યાસ કરતી હોવાથી અને હોમવર્ક મોબાઇલ ફોનમાં આવતું હોવાના કારણે તેને ફરીથી મોબાઈલ ફોન આપવાનો શરૂ કર્યું હતું.
દરમિયાન સોમવારના રોજ બપોરે મારી દીકરી ઘરે એકલી હતી. ત્યારે બપોરે હું ઘરે પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેથી હું અંદર જતા મારી દીકરી બેડરૂમમાંથી ઊભી થઈ સામે આવી હતી. તેમજ અંદર અન્ય કોઈ વ્યક્તિ હોવાની શંકા જતા અમે અમારી દીકરીને પૂછતા કોઈ ન હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં અંદર જઈને જોતા બેડરૂમના બાથરૂમમાં મહાવીર સિંહ ઉર્ફે હકો વાઘેલા છુપાયેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને બાથરૂમમાંથી બહાર કાઢતા તે અર્ધનગ્ન હાલતમાં હતો. મહાવીર સિંહ ઉર્ફે હકાને ચેક કરતા તેની પાસેથી કોન્ડમનું સીલપેક પેકેટ તેમજ છરી મળી આવી હતી.
આ સમગ્ર મામલે દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, હું મહાવીરસિંહ ઉર્ફે હકાને નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખું છું. સોમવારના રોજ તે રાજકોટ આવતા અને મળવાની વાત કરતા તે આપણા ઘરે આવ્યો હતો. હું સોફા ઉપર બેઠી હતી ત્યારે તેણે મારી બાજુમાં આવીને મને કિસ કરી તેમજ બાથમાં ભીડી લીધી હતી. તેમજ અડપલા કરવા લાગતા મને બીક લાગતા હું બેડરૂમમાં જતી રહી હતી.