અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. શંકાશીલ પતિ જો યુવતી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે, સારા કપડા પહેરે કે સારી રીતે તૈયાર થાય તો પણ તેની સાથે બોલાચાલી, ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આત્મહત્યા માટે દુત્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના નારોલ વિસ્તારમાં 4થી નવેમ્બરના દિવસે પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાએ એકાદ વર્ષ પહેલા જગદીશ રાઠોડ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના છ મહીના સુધી બંને મનમેળથી રહેતા હતા. પરંતુ બાદમાં નાની નાની બાબતોને લઈ ઝઘડા થતા હતા. જો યુવતી મોબાઇલમાં વીડિયો ઉતારે, સારા કપડા પહેરે, સારી રીતે તૈયાર થાય કે પછી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે તો પણ તેનો પતિ તેની સાથે બોલાચાલી, ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતક યુવતીના ભાઈની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
બનાવ અંગે વાત કરીએ તો દિવાળીનો પર્વ હોવાથી યુવતી 2જી નવેમ્બરના દિવસે તેના ભાઈના ઘરે રોકાવા માટે આવી હતી. જો કે 4થી નવેમ્બરના દિવસે બપોરના સમયે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને “મેં તને અહીંયા આવવાની ના પાડી હતી તેમ છતાં તું અહીંયા કેમ આવી છે અને કેમ અહીંયા રોકાઈ છો.” તેમ કહીને તેની સાથે મારઝૂડ કરી તેને સાસરીમાં પરત લઈ ગયો હતો. બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ આરોપીએ યુવતીના ભાઈને ફોન કરીને કહ્યું હતું કે “સવાર સુધીમાં છૂટાછેડાના કાગળિયા તૈયાર કરી લેજો નહિતર તારી બહેનને આખી રાત મારીશ.” જો કે ફરિયાદી ગભરાઈને તેના પત્ની અને બહેન સાથે નારોલ પહોંચ્યા હતા. જ્યાં યુવતીના સાસરિયાઓ પણ હાજર હતા અને તેમની સાથે વાતચીત દરમિયાન બોલાચાલી થતા યુવતીનો પતિ તેને મારવા માટે ગયો હતો. જેથી યુવતીએ ગેલેરીમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રિક્ષા ચલાવે છે. જ્યારે યુવતી પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઝઘડા પણ થતા હતા.