ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના ઓપરેશન સ્કેમમાં ગ્રુપના ડિરેક્ટર કાર્તિક પટેલ પછી ઉછળેલું નામ હોય તો તે મિલન પટેલનું છે. મિલન પટેલે જ ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલને આ પ્રકારનો કેમ્પ યોજવાની રૂપરેખા તૈયાર કરી આપી હતી. તેનાઆધારે સરકારમાંથી પીએમજેઓવાય યોજના હેઠળ કરોડો રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા.
સરકારની PMJAY યોજનાઓથી ભલાભોળા ગ્રામીણોને શિકાર બનાવી કેવી રીતે નાણા લૂંટવામાં આવી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ મિલન પટેલ છે. મિલન પટેલ મહિના પહેલા જ કડીના વાઘરોડા ગામે આવ્યો હતો. ખ્યાતિ કાંડનો પડદા પાછળનો ચહેરો મિલન પટેલ 13 ઓક્ટોબરે કડીના બોરીસણાથી 20 કિ.મી. દૂર આવેલા વાઘરોડા ગામે પહોંચે છે.
તે ગામના આગેવાન હિતેન્દ્રભાઈને લપેટમાં લે છે. તે હિતેન્દ્રભાઈને જણાવે છે કે ગામના લોકોનું ભલુ કરવામાં મદદ જોઈએ છે. મિલન પટેલ જણાવે છે કે હું ખ્યાતે હોસ્પિટલમાં ડિરેક્ટર છું અને મારે જનઆરોગ્ય માટે અહીં એક કેમ્પ ફ્રીમાં કરવો છે. તેમા તમારો સહયોગ જોઈએ છે.
મિલન પટેલ જણાવે છે કે આ કેમ્પમાં ભાગ લેનારા ગ્રામીણોનું મફતમાં મેડિકલ ચેકઅપ થશે. તેની સાથે તપાસની જોડે સારવારની જરૂર હશે તેની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ફ્રીમાં ઓપરેશનથી લઈ સારવાર પણ થઈ શકશે.
આવું મિલન પટેલે ફક્ત વાઘરોડા જ ગામમાં કર્યુ છે તેવું નથી. તેણે આજુબાજુના અનેક ગામોમાં કેમ્પ કરાવ્યા છે અને લોકોની ખોટી સારવાર કરાવીને આયુષ્યમાન કાર્ડ યોજનામાંથી રૃપિયા પડાવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દર મહિને જુદા-જુદા ગામડાઓમાં અનેક કેમ્પ કરીને રૂપિયા કમાતી હતી. બોરીસણા પહેલા વાઘરોડા ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો.
વાઘરોડા ગામમાં પણ ગામના 25 લોકોને સારવાર અર્થે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમાથી એક વૃદ્ધને સ્ટેન્ટ મૂકવાનું કહ્યુ હતુ, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાનો ભોગ બનનારા વૃદ્ધનું નામ લવજી ઠાકોર હતું. આશ્ચર્યની વાત એ હતી કે આ વૃદ્ધને કોઈ તકલીફ ન હતી, છતાં પણ તેમને સ્ટેન્ટ મૂકાવડાયો હતો અને તે દરમિયાન જ તેનું મોત થયું હતું.
વાઘરોડા ગામના પૂર્વ સરપંચ ગીતાબહેન ઠાકોર પણ ખ્યાતિ હોસ્પિટલની મેડિકલ બેદરકારીનો ભોગ બનતા માંડ માંડ બચ્યાં હતાં. તેમને 400 ડાયાબિટિસ હોવાનું જણાવ્યું હતું અને તેના લીધે તેમના હૃદય પર અસર થઈ હોવાનું કહ્યું હતું. તેના પગલે ગીતાબેનને હોસ્પિટલમાંથી દાખલ પણ કર્યા હતા. જો કે વૃદ્ધના મોતના લીધે ગીતાબેન સમયસર ચેતી ગયા હતા. તેમણે તરત જ હોસ્પિટલમાંથી ઉચાળા ભર્યા હતા અને બીજે શિફ્ટ થઈ ગયા હતા. બીજે રિપોર્ટ કઢાવવામાં આવતા તેમનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સમગ્ર કેમ્પના આયોજનમાં કોઈ મિલન પટેલ નામનો વ્યક્તિ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. મિલન પટેલ ગામ લોકોને પોતે ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર હોવાનું જણાવતો હતો. તે કહેતો હતો કે આજુબાજુના ગામમાં પણ કેમ્પનું આયોજન મેં જ કરાવ્યું છે. તેઓ ગામ લોકોના કહેવાથી મારી પાસે આવ્યા હતા.
મિલન પટેલે જણાવતો હતો કે ખ્યાતિ હોસ્પિટલનું ગુજરાતમાં મોટું નામ છે. અમારી પાસે નિષ્ણાત ડોક્ટરોની ટીમ છે. અમારી પાસે સારા મશીનો છે. અમારો હેતુ ગરીબોનું ભલું કરવાનો છે તેમ કહીને કેમ્પના આયોજનમાં સહયોગ આપવા રાજી કરતો હતો.