ગુજરાત સરકારનું કહેવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે પરંતુ આ કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, ગુજરાતમાં ઠેર ઠેર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ અમે નથી કહેતા આ બુટલેગરથી પીડિત પરિવાર કહે છે. હિંમતનગરના એક ગામના લોકોએ તેમના ગામના થતા દારૂના વેચાણનો ટાઈમ બદલવા માટે ધારાસભ્ય અને પોલીસને રજૂઆત કરી છે.
સૂત્રોના અનુસાર હિંમતનગર તાલુકામાં આવેલા સાચોદર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું વેચાણ થાય છે. આ ગામના લોકો બુટલેગરના ત્રાસથી એટલા કંટાળી ગયા છે કે, તેમને સ્થાનિક ધારાસભ્ય અને પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે કે, અમારા ગામમાં દારૂનું વેચાણ થાય છે અમને તેનો જરા પણ વધો નથી પરંતુ આ દારૂનું વેચાણ થવાના સમય ફેરફાર કરવા માટે અમારી નમ્ર અપીલ છે. આ પ્રકારની રજૂઆત કરવાનું કારણ એ છે કે, ગામમાં મોટાભાગના પરિવાર ખેડૂત અને પશુપાલક છે.
ગામના લોકોનું કહેવું એવું છે કે, ગામમાં દારૂનું વેચાણ પાંચ વાગ્યાથી શરૂ થાય છે અને આ સમય ગામના લોકોને પોતાના પશુઓને દોહવાનો સમય હોય છે અને તે સમયે મહિલાઓ અને દીકરીઓ દારૂડિયાઓના ત્રાસથી ઘરની બહાર નીકળી શકતી નથી. એટલા માટે ગામના લોકોએ સાથે મળીને દારૂના વેચાણનો સમય સાંજના સાત વાગ્યાનો થાય તે માટે ધારાસભ્ય અને પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે.