2014 પછી 23,000 ધનકુબેરો ભારત છોડીને વિદેશમાં જતા રહ્યાં છે. ધનકુબેરોનાં પલાયન પાછળનું મુખ્ય કારણ કાળા નાણાંની સામે જે પ્રકારનો આકરો કોરડો વીંઝવામાં આવી રહ્યો છે તે છે. 2017માં સૌથી વધારે 7,000 અમીરો દેશ છોડીને જતા રહ્યાં હતા. અમીરોનાં પલાયનમાં સૌથી આગળ ભારત છે, ત્યારબાદ ચીન અને ફ્રાન્સનો વારો આવે છે. ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ મોર્ગન સ્ટેનલીનાં ચીફ ગ્લોબલ સ્ટ્રેટિજિસ્ટનાં રુચિર શર્માની આગેવાનીમાં ટીમ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતનાં 2.1૧ ટકા, ફ્રાન્સનાં 1.3 ટકા અને ચીનનાં 1.1 ટકા અમીરો સ્વદેશ છોડીને જતા રહ્યાં હતા.
શર્માએ કહ્યું કે પોતપોતાનાં દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેને કારણે અમીરોને દેશ છોડી દેવાનો વારો આવ્યો છે. ઓકલેન્ડ, દુબઈ, મોન્ટ્રેલ, તેલ અવીવ, લંડન, ટોરેન્ટો તથા સ્વિટ્ઝરલેન્ડનાં કેટલાક શહેરો અમીરો માટે હોટ ફેવરિટ રહ્યાં છે. બ્રિટન, દુબઈ અને સિંગાપોર જેવા દેશોમાં પણ અમીરોએ શરણું લીધું છે. જે અમીરોની ગણના કરવામાં આવી છે તેમાં તેમણે છ મહિના કરતા પણ વધારે સમય વિદેશમાં ગાળ્યો છે. વિદેશમાં રહેણાંક ધરાવતા અમીરોને આ યાદીમાંથી બાકાત રખાયા છે. સામાન્ય રીતે 1 મિલિયન ડોલર કરતા વધારે સંપત્તિ ધરાવતા લોકોની અમીર તરીકે વ્યાખ્યા કરવામાં આવી છે.
ટોપ-3 દેશોમાં ફ્રાન્સ પણ સામેલ છે. ફ્રાન્સનાં પ્રમુખ મેક્રોંએ દેશમાં આકરાં કરવેરા લાદ્યા હોવાથી મોટાભાગનાં અમીરોએ દેશ છોડી દેવાનું પસંદ કર્યું છે. ગત વર્ષે બ્રિટનમાં અમીરોની હિજરત શરૂ થઈ હતી. યુરોપિયન યુનિયનમાંથી છેડો ફાડવાના નિર્ણય બાદ બ્રિટનનાં અમીરોએ પલાયન શરૂ કર્યું છે. ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન, આકરાં કરવેરા તથા એનપીએ લોનને કારણે અમીરોમાં ફડક પેસી ગઈ છે તેને કારણે તેઓ પલાયન કરવા લાગ્યા છે. 2018માં ભારતનાં 5,000 અમીરો પલાયન થયા.