કહેવાય છે કે શબ્દોમાં ઘણી તાકાત હોય છે, શબ્દો એ તીરથી વધુ અણીદાર હોય છે અને આવા શબ્દો ક્યારેક એવા ખૂંચી જાય છે કે એની પીડા ચેન પડવા દેતી નથી. ગુજરાત સરકાર અને પોલીસ માટે આવો જ એક શબ્દ આજે માથાનો દુખાવો બની ગયો છે, એ શબ્દ છે વરઘોડો. આ વરઘોડા શબ્દને લઈને હવે ખુદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પણ ખુલાસો કરવો પડ્યો છે, એ ખુલાસો કરવામાં તેમણે પોલીસનો સિફતપૂર્વક બચાવ કર્યો હોવું પણ લાગે છે.
સુરત આવેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સુરત પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. “મંથલી ક્રાઇમ કોન્ફરન્સ” પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ જળવાય અને નાગરિકોને ન્યાય મળી રહે તે માટે પોલીસ સ્ટેશનોમાં આગામી દિવસોમાં સુધારા વધારા કરવાની તૈયારી દર્શાવી હતી. એ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત પોલીસ વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય કરતી નથી. વરઘોડા શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલ શબ્દ છે. કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવા પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતી હોય છે. પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢતી નથી.’
કોઈ માથાભારે આરોપી જ્યારે પકડાય છે, અથવા તો અસામાજિક તત્ત્વો જ્યારે કાયદો હાથમાં લઈને આતંક મચાવે અને પોલીસની આબરૂના લીરા ઊડી જાય ત્યારે પોલીસ પોતાની આબરૂ બચાવવા આવા લોકોનો વરઘોડો કાઢતી આવી છે, એ જગજાહેર વાત છે, પહેલા ખાલી ફોટા પડાવવામાં આવતા હતા અને હવે દરેકના હાથમાં મોબાઇલ આવી ગયા છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે આ વરઘોડા જાણે કે પોલીસ માટે એક ફેશન બની ગઈ છે, ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એની રીલો વાઇરલ થઈ જાય છે. જાહેરમાં આરોપીઓને બાંધીને ફેરવવામાં આવે છે, હાથ જોડાવવામાં આવે છે, એને કાયદાનું ભાન કરાવવામાં આવે, જોકે આવા કહેવાતા વરઘોડા કાયદાની વિરુદ્ધમાં હોવાનો કાયદાના જાણકારોનો મત છે, અને તાજેતરમાં અમરેલીમાં પાટીદાર યુવતીનો જે વરઘોડો કાઢવાનો વિવાદ છે, એને કારણે પોલીસની ઇજ્જત ધૂળમાં મળી ગઈ છે, ત્યારે વિપક્ષના નેતાઓ પણ સવાલ કરી રહ્યા છે કે પોલીસ આવા વરઘોડા અમુક આરોપીઓના જ કાઢે છે, વીઆઇપી આરોપીઓના વરઘોડા ક્યારેય નીકળતા નથી. ચાહે એ મોરબી ઝૂલતા પુલ કાંડ હોય, કે ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ હોય, આવા લોકોના વરઘોડા નથી નીકળતા. સુરતમાં આવો સવાલ જ્યારે એક પત્રકારે પૂછ્યો ત્યારે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે ખુલાસો કર્યો હતો.
ડીજીપીનું કહેવું છે કે વરઘોડા શબ્દનો ઉપયોગ પોલીસ કરતી નથી અને એ શબ્દ તો તો પ્રેસ અને મીડિયાવાળા કરે છે. ડીજીપી વિકાસ સહાય બીજી એક વાત પણ કહે છે કે પોલીસ પુરાવા મેળવવા રિકન્સ્ટ્રક્શન કરે છે. ડીજીપી કહે છે કે ‘આપણે વરઘોડા ક્યારેય કાઢતા નથી, આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ(કાયદેરસ) પ્રક્રિયા છે.’