અમદાવાદ
રાજયભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને એએમસી સત્તાવાળાઓનો ઉઘડો લઈ નાંખ્યો હતો. જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે શહેરમાં જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા સહિતના દબાણો અને ટ્રાફિકની સર્જાયેલી વિકટ સમસ્યાને લઈ બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ સહિતના સત્તાધીશોને ફટકાર લગાવતાં જણાવ્યું હતુ કે, પોલીસ મહેનતાણું (પગાર) મેળવતી હોવાછતાં કોઈ કામગીરી જ કરતી નથી અને મૂકપ્રેક્ષક બની તમાશો જોયા કરે છે. હાઇકોર્ટે આ કન્ટેમ્પ્ટ કેસમાં સત્તાધીશો વિરુદ્ધ કેમ ચાર્જ ફ્રેમ ના કરવો એટલે સુધીની ચીમકી ઉચ્ચારી હતી. છેવેટ મુખ્ય સરકારી વકીલની વિનંતીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે ફરીવાર કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાની તક આપી હતી. આગળની સુનાવણી છઠ્ઠી ફેબ્રુઆરીએ રાખી હતી. શહેરના માર્ગો પર દબાણ, ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોર સહિતના મુદ્દા પરની કન્ટેમ્પ્ટ પિટિશનમાં 28મી જાન્યુઆરી હાઈકોર્ટે ફરી એકવાર શહેર પોલીસ, અમદાવાદ Statistics કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને સરકારના સત્તાવાળાઓને ફટકાર લગાવી હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ‘છેલ્લા છ વર્ષથી આ મેટર ચાલે છે અને મેટરની સુનવાણિ હોય ત્યારે સત્તાવાળાઓ દેખાડવા માટે કામ કરે છે. હવે જાણે સત્તાવાળાઓ રૂટીન આ કેસમાં કાનૂની સેવા સત્તામંડળ પાસેથી બે વખત રિપોર્ટે પણ મંગાવ્યા છે. શહેરમાં આજે એ હદે ગંભીર પરિસ્થિતિ છે કે, જાહેર રસ્તાઓ લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા અને કાયમી દબાશોએ કબજે કરી લીધા છે. લગભગ 50 ટકા રોડ તો આ લોકો કબજે કરી લે છે તો મુખ્ય રોડ ઓ છે ક્યાં? વાહનો ચલાવવા માટે કે નાગરિકો માટે રોડ કે ફુટપાથ ક્યાં બચે છે? એક વખત દબાણો હટાવ્યા પછી પાછા ના આવે એ પ્રકારની આકરી અને પરિણામલક્ષી કામગીરી કરો.’ હાઈકોર્ટે જણાવ્યું કે, ‘અમે નજરે જોયુ છે કે, જાહેર રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હોય તો પણ ટ્રાફિક પોલીસની જીપ ત્યાં જ હતી છતાં પોલીસ જવાને જીપમાંથી ઉતરવાની તસ્દી સુધ્ધા લીધી નહીં. પોલીસ આંખો બંધ કરીને જાણે બેસી રહી છે તો અદાલત કસૂરવાર અધિકારીઓ વિરૂદ્ધ કેમ ચાર્જ કેમ ના કરે. કારણ કે, પોલીસ હોય કે કોર્પોરેશન ઉચ્ચ અધિકારીઓની એ જોવાની ફરજ છે કે, તેમના તાબાના અધિકારીઓ, કર્મચારીઓ કે જવાનો યોગ્ય અને અસરકારક રીતે ફરજ નિભાવી રહ્યા છે કે નહીં.’ હાઈકોર્ટની જુદી-જુદી બેન્ચ સમક્ષ મેટરની સુનાવણી નીકળે છે અને તે સમયે થોડીવાર કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે અને પછી બધુ હતું એમ ને એમ થઈ જાય છે. આ કયાં સુધી ચાલશે. કાયદો છે પરંતુ તેની અમલવારી નથી. રોગ સાઈડ, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુનાવણી વખતે થોડા સમય માટે તમે પાલન કરો છો, પરંતુ ત્યારબાદ સત્તાવાળાઓ કેમ નિષ્ક્રિય બની રહ્યા છે. ખરેખર તો કોર્ટમાં સુનાવણી ના હોય તો પણ કાયદાનું પાલન થવુ જોઈએ.’