રીટર્નિંગ ઓફિસર પર દબાણ બનાવીને ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા :ભાજપના નેતાઓએ RO ઓફિસર સાથે મળીને બધા પુરાવાઓનો નાશ કરીને અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાસે ખુલાસો માંગ્યા વગર ફોર્મ રદ કર્યા: ઇસુદાન ગઢવી
અમને ચુનાવ આયોગના જવાબથી સંતોષ ના થયો હતો અને ચૂંટણી અધિકારી ભાજપના નેતાઓના દબાણમાં કામ કરશે તો ના છૂટકે હું ચૂંટણી અધિકારીની ઓફિસમાં ઉપવાસ આંદોલન પણ કરીશ: ઇસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ટક્કર અને પ્રદેશ સંગઠન મંત્રી સૂર્યસિંહ ડાભી સહિત પદાધિકારીઓએ આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચુનાવ આયોગની ઓફિસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત કરતા જણાવ્યું હતું કે ભાણવડ નગરપાલિકામાં જે રીતે રીટર્નિંગ ઓફિસર પર દબાણ બનાવીને ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા છે, તે મુદ્દા પર આજે અમે લીગલ ટિમ સહિત પદાધિકારીઓએ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરને રજૂઆત કરી છે.
અમે લેખિતમાં રજૂઆત કરી છે કે જે રીતે બીજી ચાર નગરપાલિકાઓમાં અમારા ઉમેદવારોને ખુલાસાનો સમય આપવામાં આવ્યો, તે રીતે ભાણવડ નગરપાલિકામાં શા માટે સમય આપવામાં આવ્યો નહીં? ભાણવડ નગરપાલિકામાં ભાજપની નગરપાલિકા બનતી ન હતી તે માટે ભાજપના નેતાઓએ RO ઓફિસર સાથે મળીને બધા પુરાવાઓનો નાશ કરીને અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાસે ખુલાસો માંગ્યા વગર ફોર્મ રદ કર્યા છે. આ લોકશાહીની હત્યા છે. ચૂંટણી ન થવા દઇને લોકશાહીની હત્યા કરવામાં આવી છે તથા ભાણવડના અને ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે. આ મુદ્દા પર અમે રજૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે ચૂંટણી આયોગ અમને જવાબ આપશે. જો અમને તેમના જવાબથી સંતોષ ના થયો હતો અને ચૂંટણી અધિકારી ભાજપના નેતાઓના દબાણમાં કામ કરશે તો ના છૂટકે હું ચૂંટણી અધિકારીની ઓફિસમાં ઉપવાસ આંદોલન પણ કરીશ.