અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 જટેલા બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કર્યા છે અને ત્રણ મહિનામાં વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે, ત્યારે આ આખું ઓપરેશન કરવા પાછળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેટેલાઈટ મેપથી ચંડોળા તળવા આસપાસ કેટલા સમયથી બાંગ્લાદેશીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે શોધવામાં આવ્યું હતું. જેમાં એક અંદાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં દબાણ ઉભું કરાયું હોવાના પુરાવા મળ્યા હતા. ત્યારે એજન્ટોની મદદથી કોઇએ ભારતીય ડોક્યુમેન્ટ બનાવડાવ્યા તો કોઇએ ઝૂંપડા બનાવી દીધા હતા. વર્ષ 2010થી 2024 સુધીના સમયગાળામાં આ જગ્યા પર દબાણ થયું છે અને આ પહેલાં પણ આનાથી વધારે દબાણ થયું હોવાનું પણ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. ગેરકાયદેસર લોકોને હાંકી કાઢવા માટે અમેરિકા દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના પડઘા વિશ્વમાં પડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ભારતીયોને ડિપોટ કરીને ભારત પરત લાવવામાં આવ્યા ત્યાર બાદ આ સમગ્ર બાબત વધુ ચર્ચામાં આવી હતી. ત્યારે હવે ભારત સરકાર દ્વારા આખા દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓને શોધીને તેમને પરત મોકલવાની નવી શરૂઆત થઈ ગઈ છે. સેન્ટ્રલ એજન્સી હોય કે પછી સ્થાનિક પોલીસ બાંગ્લાદેશીઓને શોધવા માટે સજ્જ બની છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 52 જટેલા બાંગ્લાદેશીઓને શોધીને તેમના બાંગ્લાદેશી હોવાના પુરાવા ભેગા કર્યા હતા. જેમાંથી 15 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને ત્રણ મહિનાની અંદર ડિપોટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મોલમાં નોકરી કરાવવાના બહાને લાવેલા બાંગ્લાદેશીઓ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવ્યા અને તેમાં પણ ગુજરાતના અમદાવાદમાં બાંગ્લાદેશીઓનો ગઢ ગણતા એવા ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરી ત્યાં રહેવા લાગ્યા હતા. સ્ત્રીઓ સાથે અનૈતિક કામ કરાવતા હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં જ્યારે બાંગ્લાદેશીઓ અમદાવાદથી પકડાયા હતા, ત્યારે એજન્સી દ્વારા તેમને સરહદ પાર તેમના વતન મોકલવામાં આવતા હતા. પરંતુ બાંગ્લાદેશ સરકાર તરફથી તેઓને તેમના નાગરિક નથી તેમ કહીં સ્વીકારવામાં આવતા ન હતા. જોકે, આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પહેલાં ડિપોટ કરાયેલા બાંગ્લાદેશીઓએ કઈ રીતે ભારતમાં પ્રવેશ કર્યો, તેઓ મૂળ બાંગ્લાદેશમાં ક્યાંના રહેવાસી હતા ત્યાંના પુરાવા શોધ્યા હતા. તમામ પુરાવા ભેગા કર્યા બાદ સેન્ટ્રલ એજન્સીને આ વિગતો આપવામાં આવી હતી. ત્યાર બાદ સેન્ટ્રલ એજન્સી દ્વારા બાંગ્લાદેશ સરકારને તે તમામ પુરાવા આપ્યા બાદ તેઓએ સ્વીકાર્યું હતું કે, આ તમામ લોકો ગેરકાયદેસર ભારતમાં ઘૂસ્યા હતા. આ વખતે 15 લોકોને ડિપોટ કરવામાં આવ્યા છે અને હજુ પણ મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ડિપોટ કરવામાં આવશે અને તે સંદર્ભે કાર્યવાહી પણ થઈ રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં દબાણ થયું હોવાની વાત ઘણી વખત સામે આવી હતી, પરંતુ સેટેલાઈટ મેપ દ્વારા તપાસવામાં આવતા તેમણે 1.4 લાખ સ્ક્વેર મીટરમાં દબાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદની ટીમે બાંગ્લાદેશીઓના એજન્ટ અને તેમને અહીંય સુધી લાવવા માટેની આખી સિસ્ટમ શોધવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં બાંગ્લાદેશીઓ કઈ રીતે ઘૂસ્યા અને કેટલામાં આવ્યા તે તપાસ કરવામાં આવી રહી છે.