મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંદાજપત્ર સત્ર દરમિયાન વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં ‘‘મુખ્યમંત્રી કિસાન સહાય’’ યોજના અંગેના પ્રશ્નની ચર્ચામાં સહભાગી થતા કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કોઇ પણ પરિસ્થિતિમાં તમામ જરૂરી મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ હતું કે, આપણા રાજ્યમાં ક્યારેક અતિવૃષ્ટિ, કયારેક અનવૃષ્ટિ તો ક્યારેક કમોસમી વરસાદ પડે છે. ખેડૂત પોતાના પાક માટે જ મહેનત કરે છે ત્યારે તેને આવી કુદરતી આફતોથી થતી નુકસાનીમાં આર્થિક સહાય મળી રહે તેવા ઉમદા હેતુથી આ યોજના અમલી બનાવવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં ‘‘મુખ્યમંત્રી કિસાન સહાય’’ યોજના અંગેની ચર્ચામાં સહભાગી થતા કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ એ કહ્યું હતું કે, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદ જેવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિએ રાજ્યના બધાજ ખેડૂતોને નુકસાન થયેલ ખેડૂતો રહી ન જાય તે ધ્યેય સાથે સહાય ચૂકવવામાં આવે છે.
વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા રાજ્ય કૃષિ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે કહ્યું કે, આ યોજનામાં રાજ્યના તમામ નાના-મોટા સીમાંત બધા જ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના એકદમ સરળ અને પારદર્શી છે તેમ જણાવતા મંત્રી શ્રી પરમારે કહ્યું હતુ કે આ યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનાવૃષ્ટિની વ્યાખ્યા આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે.
અતિવૃષ્ટિની વ્યાખ્યા આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે. અને કમોસમી વરસાદની વ્યાખ્યા આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે.
આ યોજના અન્વયે પાક નુકસાન અંતર્ગત ગામો/તાલુકા/વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયાની માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અનાવૃષ્ટિ(દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ(માવઠું) ના કારણે પાકને નુકસાન થાય તેવા અસરગ્રસ્ત ગામો/તાલુકા/વિસ્તારની યાદી જિલ્લા કલેકટર દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઘટના બન્યાના સાત દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની (મહેસુલ વિભાગની) મંજૂરી અર્થે મોકલી આપવામાં આવે છે.
રાજ્ય સરકારની (મહેસુલ વિભાગ) દરખાસ્ત મળ્યાના દિન ૭ માં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર/ગામ/તાલુકાની યાદી મંજૂરીના હુકમો કરવામાં આવે છે. પાક નુકશાનનાં સર્વેની કામગીરી અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારની યાદી મુજબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અસરગ્રસ્ત ગામો/ તાલુકા/ વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે દિન-૧૫ માં કરવામાં આવે છે. સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવે છે.
આ યાદીમાં ૩૩% થી ૬૦% નુકસાન અને ૬૦%થી વધુ નુકસાન એમ બે યાદી જાહેર કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ પ્રત્યુતર આપતા કહ્યુ હતુ કે, તાપી, ડાંગ, ગીર-સોમનાથ, ભાવનગર, ખેડા અને આણંદ જિલ્લામાં કુદરતી આપતિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતાં પાક નુકસાન પેટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈ પરીપૂર્ણ થતી ન હતી.