આપણા સમાજમાં સ્ત્રી, પુરૂષ અને એક ત્રીજો વર્ગ છે જેને આપણે કિન્નર કહીએ છીએ. આપણે ભલે તહેવાર હોય કે શુભ પ્રસંગ આપણે ત્યાં તેમના આશિર્વાદ લેવા બોલાવીએ છીએ. જોકે હજુ પણ આપણે તેમની ઉપેક્ષા કરીએ છીએ. સમાજમાં કિન્નરોનું સ્થાન આજે પણ ખુબજ નીચુ છે. લગ્ન, બાળકના જન્મ જેવા ખુશીના અવસરે ઘરમાં એકા એક ક્યાંકથી કિન્નર આવી પહોંચતા હોય છે, અને આશિર્વાદ આપી, ભેટ લઈને પોતાની દુનિયામાં પાછા જતા રહે છે.
કિન્નરોની દુનિયા એકદમ અલગ હોય છે, જેમાં સામાન્ય લોકોનો પ્રવેશ નિષેધ છે. એટલું જ નહીં તેમના અંતિમ સંસ્કાર વિશે પણ બહુ ઓછા લોકો જાણતા હશે. કેવી રીતે થાય છે કિન્નરોના અંતિમ સંસ્કાર અને શું વીધિ કરવામાં આવે છે તેને ખુબજ ગુપ્ત રાખવામાં આવે છે.
માનવામાં આવે છે કે, કેટલાક કિન્નરો પાસે આધ્યાત્મિક શક્તિ હોય છે, જેમાં તેમને પોતાના મોતનો આભાસ પહેલાથી થઈ જાય છે, આ જાણ્યા બાદ કિન્નર ક્યાંય પણ આવવા-જવાનું બંધ કરી દે છે અને ખાવા-પીવાનું પણ બંધ કરી દે છે. આ દરમિયાન તે માત્ર પાણી જ પીવે છે અને ઈશ્વર પાસે પોતાના અને બીજા કિન્નરો માટે પ્રાર્થના કરે છે કે, અગામી જન્મમાં તે કિન્નર ન બને આસપાસ અને દૂર-દૂરથી બીજા કિન્નરો મરતા કિન્નર પાસે આશિર્વાદ લેવા આવે છે. કિન્નરોમાં માન્યતા છે કે, મરણાસન્ન કિન્નરના આશિર્વાદ ઘણા અસરદાર હોય છે.
કિન્નર સમુદાય સિવાય કોઈ પણ બહારના વ્યક્તિને મરણાસન્ન કિન્નર અથવા કિન્નરના મોતના સમાચાર ખબર ન પડે, તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. શબને જ્યાં દફનાવવામાં આવવાનું હોય તે અંગેની જાણકારી ગુપ્ત રાખવામાં આવે.
અંતિમયાત્રામાં કિન્નરોના મૃતદેહને ઉભો રાખી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે. એવી માન્યતા છે કે, સામાન્ય લોકો જો મૃત કિન્નરનું શરીર જોઈ પણ લે તો મૃતકને ફરી કિન્નરનો જ જન્મ મળે છે. આથી એ વાતની ખાસ તકેદારી રાખવામાં આવે છે કે કોઈ તેનો મૃતદેહ ન જુએ.
સમાજમાં મળતા ફીટકાર અને સતત તિરસ્કારથી ભરેલા જીવનના કારણે કિન્નર ખુદ પોતાના જીવનને એટલો અભિશપ્ત માને છે કે, શબયાત્રા પહેલા મૃતકને ચપ્પલોથી મારવામાં આવે છે અને ગાળો આપવામાં આવે છે. જેથી મૃત કિન્નરે જીવતા સમયે કોઈ અપરાધ કર્યો હોય તો, તેનું પ્રાયશ્ચિત થઈ જાય, અને અગામી જન્મ સામાન્ય માણસનો મળે. પોતાના સમુદાયમાં એક પણ કિન્નરના મોત બાદ તમામ વયસ્ક કિન્નર સમુદાય પૂરા એક અઠવાડીયા માટે વ્રત કરે છે, અને મૃતક માટે પ્રાર્થના કરે છે.
કિન્નરોમાં મૃતદેહને સળગાવવાને બદલે દફનાવવામાં આવે છે. અંતિમ સંસ્કાર ગુપ્ત રીતે અને સાદગીથી કરવામાં આવે છે. મૃતદેહને સફેદ કપડામાં લપેટી દેવામાં આવે છે, આ પ્રતિક છે કે મૃતકનું હવે આ શરીર અને આ દુનિયાથી તમામ સંબંધ તૂટી ચુક્યો છે. મોંઢામાં કોઈ પવિત્ર નદીનું પાણી મુકવાનો પણ રિવાજ છે, ત્યારબાદ તેને દફનાવી દેવામાં આવે છે.
મૃતકનો અંતિમ સંસ્કાર બહારના સમુદાયનો કોઈ માણસ ન જોઈ શકે, આજ કારણથી મોડી રાત્રે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.