હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્લામ અલી ખાન સિદ્દિકીના દરબારમાં નાણામંત્રી રહેલા નવાબ મોઈન નવાઝ જંગે એ વખતે બ્રિટનમાં પાકિસ્તાનના હાઈ-કમિશનરના બૅન્કખાતામાં જે 10 લાખ પાઉન્ડ જમા કરાવ્યા હતા, તે આજે 35 ગણા વધી ગયા છે.
બ્રિટનમાં પાકિસ્તાનના હાઈ-કમિશનર રહેલા હબીબ ઇબ્રાહિમ રહીમતુલ્લાના લંડનની બૅન્કના ખાતામાં ટ્રાન્ફર થયેલા એ 10 લાખ પાઉન્ડ(લગભગ 89 કરોડ રૂપિયા) હવે 350 લાખ પાઉન્ડ (લગભગ 3.1 અબજ રૂપિયા) થઈ ગયા છે અને તેમના નામે નૅટવૅસ્ટ બૅન્કના ખાતામાં જમા છે.
નિઝામ અને પાકિસ્તાનના ઉત્તરાધિકારીઓ વચ્ચે પૈસાને લઈને લાંબા સમયથી તણાવ ચાલી ચાલી રહ્યો છે. લંડનમાં આવેલી ‘રૉયલ કોર્ટ ઑફ જસ્ટિસ’માં આ મામલો હજુ લટકેલો છે.
આ મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ માર્કસ સ્મિથ બન્ને પક્ષોની દલીલ સાંભળી ચૂક્યા છે અને આ જ વર્ષે ઑક્ટોબરમાં અંગે ફેંસલો સંભળાવવાના છે.
3.5 કરોડ પાઉન્ડની આ રકમ કોના હાથે લાગશે એનો નિર્ણય તેમનો ફેસલો જ કરશે.
બીબીસીએ સાતમા નિઝામ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા આ કાયદાકીય વિવાદ અને પૈસાની ટ્રાન્સફરની કહાણી જાણવા પ્રયાસ કર્યો છે.
15 ઑગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું જોકે, દક્ષિણ ભારતના હૈદરાબાદ સહિત કેટલાંય રાજ્યોએ આઝાદીનો સ્વાદ નહોતો ચાખ્યો.
હૈદરાબાદ 17 સપ્ટેમ્બર 1948 સુધી નિઝામના શાસન અંતર્ગતનું રજવાડું હતું. એ બાદ ‘ઑપરેશન પોલો’ નામનું સૈન્યઅભિયાન હાથ ધરીને ભારતે આ રજવાડને ભારતીય સંઘમાં ભેળવી દીધું હતું.
10 લાખ પાઉન્ડના ટ્રાન્સફરની આ કહાણી હૈદરાબાદનો ભારતમાં વિલય કરાયો એ વખતની છે.
એ વખતે હૈદરાબાદ આસફ જાહ વંશના સાતમા વંશજ નવાબ મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકીનું રજવાડું હતું. એ વખતે તેઓ દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ ગણાતી હતી.
‘ઑપરેશન પોલો’ થકી હૈદરાબાદ ભારતમાં ભળ્યું એ પહેલાં તેઓ હૈદરાબાદની રિયાસતના સાતમા અને છેલ્લા નિઝામ હતા.
સાતમા નિઝામના પૌત્ર યુવરાજ મુકર્રમ જાહ-આઠમાનું પ્રતિનિધિત્વ કરનારી કાયદાકીય સંસ્થા ‘વિદર્સ વર્લ્ડલાઇફ લૉ ફર્મ’ના પૉલ હૅવિટ્ટ જણાવે છે,
‘ઑપરેશન પોલો દરમિયાન હૈદરાબાદના નિઝામના નાણામંત્રીએ પૈસાને સુરક્ષિત રાખવા માટે લગભગ 10 લાખ પાઉન્ડ લંડનની બૅન્કમાં એ વખતના પાકિસ્તાનના હાઈ-કમિશનરના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.”
1948માં ટ્રાન્સફર કરાયેલી આ રકમ સાતમા નિઝામના ઉત્તરાધિકારીઓ અને પાકિસ્તાન વચ્ચે કાયદાકી લડાઈનું કારણ બની છે.
પૉલ હેવિટ્ટ કહે છે, “હૈદરાબાદના સાતમા નિઝામને પૈસા ટ્રાન્સફર થયા અંગેની જેવી જ ખબર પડી કે તેમણે પાકિસ્તાનને કહ્યું કે તેમના પૈસા ઝડપથી પાછા આપી દો. પરંતુ રહીમતુલ્લાએ પૈસા પરત કરવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યું કે હવે આ પાકિસ્તાનની સંપત્તિ બની ગઈ છે.”
બાદમાં 1954માં સાતમા નિઝામ અને પાકિસ્તાન વચ્ચે એક કાયદાકીય લડાઈ શરૂ થઈ. નિઝામે પોતાના પૈસા પાછા મેળવવા માટે યુકે હાઈકોર્ટનો સહારો લીધો અને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી.
હાઈકોર્ટમાં મામલો આખો પાકિસ્તાનના પક્ષમાં ગયો અને બાદમાં નિઝામે કોર્ટ્સ ઑફર અપીલમાં જવું પડ્યું, જ્યાં નિઝામની જીત થઈ.
પરંતુ બાદમાં પાકિસ્તાને આગળ આવીને એ સમયે યુકેની સર્વોચ્ચ અદાલત હાઉસ ઑફ લૉર્ડ્સનો દરવાજો ખટખટાવ્યો.
પાકિસ્તાનની દલીલ હતી કે નિઝામ પાકિસ્તાન પર કોઈ પણ રીતે કેસ ન કરી શકે, કેમ કે પાકિસ્તાન એક સંપ્રભુ રાષ્ટ્ર છે.
હાઉસ ઑફ લૉર્ડ્સે પાકિસ્તાનના પક્ષમાં ચુકાદો આપ્યો અને તેની દલીલ યોગ્ય ઠેરવતા કહ્યું કે નિઝામ પાકિસ્તાન પર કેસ ન કરી શકે.
તેમજ હાઉસ ઑફ લૉર્ડ્સે 10 લાખ પાઉન્ડની આ વિવાદિત રાશિને પણ ફ્રીઝ કરી દીધી.
બાદમાં પૈસા પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહી ચૂકેલા હબીબ ઇબ્રાહીમ રહીમતુલ્લાના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા, જે હાલમાં નૈટવેસ્ટ બૅન્ક પાસે છે. બૅન્ક અનુસાર આ પૈસા હવે કોર્ટના નિર્ણય બાદ જ તેના ઉત્તરાધિકારીને અપાશે.
પરંતુ 1948માં જમા કરાવેલા 10 લાખ પાઉન્ડ છેલ્લાં સાઠ વર્ષમાં વ્યાજ સાથે વધીને 350 લાખ પાઉન્ડ થઈ ગયા છે.
છેલ્લાં કેટલાંક વર્ષમાં વાતચીતના માધ્યમથી આ વિવાદને ઉકેલવાની કોશિશ થઈ છે, પણ કોઈ નિવેડો આવ્યો નથી.
1967માં હૈદરાબાદના સાતમા નિઝામનું નિધન થઈ ગયું. પૈસાને પરત લાવવાનો કાનૂની જંગ તેના બાદ પણ ચાલુ રહ્યો અને તેને આગળ વધાર્યો તેમના ઉત્તરાધિકારીઓએ.
આ કાનૂની લડાઈમાં વર્ષ 2013માં પૉલ હેવિટ્ટ ત્યારે સામેલ થયા જ્યારે પાકિસ્તાનના ઉચ્ચાયુક્તે પાકિસ્તાન માટે પૈસા ઉપાડવાની આશાને કારણે બૅન્ક સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી.
જે બાદ બૅન્ક માટે એ ફરજિયાત થઈ ગયું કે આ મામલામાં પૈસા પર દાવો કરનારા તમામ પક્ષકારો સાથે વાત કરે અને તેમાં ભારત સહિત નિઝામ રિયાસતના બંને યુવરાજ પણ સામેલ હતા.
પૉલ હેવિટ્ટ કહે છે કે બંને યુવરાજોએ હાલમાં આ મુદ્દા પર ભારત સરકાર સાથે ચર્ચા કરી છે જે એક સમયે આ પૈસા પર દાવો કરી ચૂકી છે.
અત્યાર સુધી નિઝામે ઉત્તરાધિકારીઓ અને ભારતીય સરકાર વચ્ચે ચર્ચા કે સમજૂતી સંબંધિત કોઈ દસ્તાવેજ સામે આવ્યા નથી.
બીબીસીએ નિઝામના ઉત્તરાધિકારીઓ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેમણે વાત કરવાનો ઇનકાર કરી દીધો.
એક તરફ નિઝામના પરિવારનું કહેવું છે કે ઑપરેશ પોલો દરમિયાન પૈસાની સલામતી માટે પાકિસ્તાનના ઉચ્ચાયુક્તના ખાતામાં મોકલવામાં આવ્યા હતા.
બીજી તરફ પાકિસ્તાનની દલીલ છે કે 1948માં હૈદરાબાદના ભારતમાં વિલય દરમિયાન પાકિસ્તાને પૂર્વ નિઝામને ઘણી મદદ કરી હતી.
આ પૈસા એ મદદના બદલામાં પૂર્વ નિઝામે પાકિસ્તાનના લોકોને ઇનામના રૂપે આપ્યા હતા એટલે તેના પર પાકિસ્તાનનો હક છે.
પૉલ હૅવિટ્ટ કહે છે, “વર્ષ 2016માં પાકિસ્તાને એવી દલીલો રજૂ કરી હતી કે વર્ષ 1947થી 48 વચ્ચે હથિયાર પાકિસ્તાનથી હૈદરાબાદ લાવવામાં આવ્યાં હતાં. તેની કિંમત 10 લાખ પાઉન્ડ હતી.”
“પાકિસ્તાને આ મામલામાં અત્યાર સુધી બે દલીલો રજૂ કરી છે. પ્રથમ તેનું કહેવું હતું કે પાકિસ્તાનના નિઝામનું ઇનામ હતું. જોકે, બાદમાં કહ્યું કે હથિયારોની ખરીદીના બદલામાં આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.”
“નિઝામના પક્ષે અમે એ દલીલો રજૂ કરી હતી કે પાકિસ્તાનની બંને દલીલો સાબિત કરવા માટે કોઈ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા.”
“તેઓ ચર્ચા કરવા માગે છે કે પાકિસ્તાનના ડિપ્લોમેટ્સ આમાં સામેલ હતા એટલે આ દલીલો પર વિશ્વાસ કરવો જોઈએ પરંતુ એ સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા કે હથિયારો ખરીદવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. આ ખૂબ જ અસંગત છે.”
પાકિસ્તાન તરફથી મામલાનું પ્રતિનિધિત્વ કરી રહેલા કવીન્સ કાઉન્સેલ ખવર કુરૈશીનું કહેવું છે કે તેઓ આ મામલા પર અત્યારે કોઈ ચર્ચા કરવા માગતા નથી.
બીબીસી પાસે પાકિસ્તાન તરફથી રજૂ કરવામાં આવેલી દલીલોની એક કૉપી છે. આ દસ્તાવેજ અનુસાર, “હૈદરાબાદના સાતમા નિઝામની પાકિસ્તાને મદદ કરી જેના બદલામાં રહમતુલ્લાના બૅન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા” કારણ કે આ પૈસાને ભારતના હાથેથી દૂર રાખી શકાય.
“પાકિસ્તાને સાતમા નિઝામ માટે પાકિસ્તાનથી હૈદરાબાદ સુધી હથિયારોની સપ્લાઈનું કામ કર્યું હતું જેથી ભારતીય આક્રમણથી હૈદરાબાદ ખુદની રક્ષા કરી શકે.”
આ દસ્તાવેજ અનુસાર 20 સપ્ટેમ્બર 1948થી આ રકમ રહિમતુલ્લાના લંડન સ્થિત બૅન્ક ખાતામાં છે.
પૉલ હેવિટ્ટને મેં સવાલ કર્યો કે શું પૈસા ટ્રાન્સફર કરતાં પહેલાં બંને પક્ષ વચ્ચે કોઈ લેખિત કરાર નહોતો થયો?
હેવિટ્ટ કહે છે, “સાતમા નિઝામે સોગંદનામું આપ્યું છે કે તેમને આ ટ્રાન્સફર વિશે કોઈ જ જાણકારી નહોતી.”
“આ પુરાવાને હજુ સુધી પડકાર ફેંકાયો નથી. તેનાથી એ વાતનો સંકેત મળે છે કે એ સમયે એમના નાણામંત્રીને લાગ્યું હતું કે તેઓ નિઝામના ભવિષ્ય માટે કેટલાક પૈસા સુરક્ષિત રાખી રહ્યા છે અને આ સંમતિના આધારે રહીમતુલ્લાએ પોતાના ખાતામાં પૈસા રાખવાની વાત સ્વીકારી હતી.”
પૉલ હેવિટ્ટ કહે છે, “જ્યારે સાતમા નિઝામને એમ લાગ્યું કે તેઓ પોતાના જીવનકાળમાં હવે ક્યારેય આ પૈસા પરત નહીં મેળવી શકે તો તેઓએ એક ટ્રસ્ટ બનાવ્યું. તેઓએ આ પૈસાને પોતાના ટ્રસ્ટમાં નાખી દીધા અને બે ટ્રસ્ટી બનાવી દીધા. તેમણે જાહેરાત કરી કે તેમના પછી ઉત્તરાધિકારી તેમના બે પૌત્ર- આઠમા નિઝામ અને તેમના નાના ભાઈ હશે. આથી આ બંને પરિવારના સભ્યો પર એ પૈસાનો અધિકાર છે.”
તેઓ કહે છે કે આ એક બહુ પેચીદો અને ઐતિહાસિક મામલો છે, જેનાથી તેઓ સીધી રીતે જોડાયેલા છે.
આ મામલાને લઈને બીબીસી તેલુગુ સેવાના સંવાદદાતા દિપ્તી બથિનીએ ડેકન હેરીટેઝ સોસાયટીના પ્રમુખ મોહમ્મદ સફીઉલ્લાહ સાથે વાત કરી હતી.
મોહમ્મદ સફીઉલ્લાહ કહે છે કે વર્ષ 1948માં 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર વચ્ચે ભારતીય સરકારે ઑપરેશન પોલો ચલાવ્યું હતું. તે સંપૂર્ણ રીતે હૈદરાબાદ રાજ્ય સામે એક સૈન્ય અભિયાન હતું. આ અભિયાનમાં ભારતીય સેનાના લગભગ 40 હજાર સૈનિકો સામેલ હતા. 17 સપ્ટેમ્બરે હૈદરાબાદે એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી અને તે બાદ ભારતીય સંઘમાં સામેલ થવાનું સ્વીકારી લીધું.
સફીઉલ્લાહ માને છે કે 350 લાખ પાઉન્ડની આ સમગ્ર રકમને આ મામલામાં ત્રણ પક્ષકાર-ભારત સરકાર, નિઝામના ઉત્તરાધિકારી અને પાકિસ્તાન વચ્ચે ત્રણ હિસ્સામાં બરાબર વહેંચી દેવી જોઈએ.