

દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે એકલા હાથે બાળકની સંભાળ માટે નોકરી છોડવાની ફરજ પડી છે, તેવી મહિલા ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. મહિલાએ સ્વૈચ્છિક રીતે નહીં, પરંતુ બાળકના સંભાળની સર્વોચ્ચ ફરજને કારણે નોકરી છોડી છે. ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ ૧૩મેએ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે આ સ્થિતિને બાળકની સંભાળ રાખવાની સર્વોચ્ચ ફરજના પરિણામ તરીકે જોઈ શકાય છે. હાઇકોર્ટે મહિલા અને તેના સગીર પુત્રને વચગાળાનું ભરણપોષણ આપવાના ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરવાનો ઈનકાર કર્યો હતો. ટ્રાયલ કોર્ટે પત્ની અને બાળક દરેકને માસિક રૂ.૭,૫૦૦નું ભરપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. જોકે પતિએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતોહાઈકોર્ટે મહિલાને આટલી માસિક રકમ ચૂકવવાનું ચાલુ રાખવા અને તેના બાળક માટે માસિક રૂ.૪,૫૦૦ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે બાળકની જેની પાસે કસ્ટડી હોય માત્ર તેના પર પર બાળકના સંભાળની જવાબદારી સંપૂર્ણપણે આવી જતી હોય છે. તેથી નોકરી કરવાની તેમની ક્ષમતા મર્યાદિત બને છે. માતા નોકરી પર ગઈ હોય ત્યારે બાળકની સંભાળ રાખવા માટે પરિવારનો કોઈ ટેકો ન હોય ત્યારે સ્થિતિ વધુ વિકટ બને છે. તેથી મહિલાએ સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દીધી છે, તેવું કહી શકાય નહીં. હકીકતમાં મહિલાએ બાળ સંભાળની સર્વોચ્ચ ફરજને કારણે ઊભી થયેલી સ્થિતિને કારણે નોકરી છોડી હતી. ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતા પતિએ દલીલ કરી હતી કે મહિલા શિક્ષિત છે અને અગાઉ દિલ્હીની એક સરકારી શાળામાં ગેસ્ટ ટીચર તરીકે કામ કરતી હતી તથા ટયુશન ફી સહિત માસિક રૂ.૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ કમાતી હતી. મહિલા કમાવવા તથા પોતાનું અને બાળકનું ભરણપોષણ કરવા સક્ષમ છે અને કેસ ફક્ત તેને હેરાન કરવા માટે દાખલ કરાયો છે. અરજીમાં વધુમાં દલીલ કરાઈ હતી કે મહિલાએ પોતાની મરજીથી પતિનું ઘર છોડી દીધું હતું અને કોર્ટનો આદેશ હોવા છતાં પતિ સાથે ફરીથી રહેવા આવી નથી તે હકીકતને ટ્રાયલ કોર્ટે ધ્યાનમાં રાખી નથી. તે પત્ની અને સગીર બાળક સાથે રહેવા તૈયાર છે. જોકે પત્નીએ રજૂઆત કરી હતી કે બાળક પ્રત્યેની જવાબદારીઓને કારણે તે નોકરી કરી શકતી નથી. ભૂતકાળની નોકરી કારણે યોગ્ય ભરણપોષણનો ઈનકાર કરી શકાય નહી. મુસાફરીમાં ઘણા કલાકો લાગતા હતાં અને ઘરની નજીક કામ મળતું ન હતું, તેથી તેને નોકરી છોડી હતી.