વિજાપુર તાલુકાના દેવડાગામમાં પુત્રોના મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીને પુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો. સીતાબાના પતિના મૃત્યુ બાદ એકલવાયુ જીવન જીવી રહ્યા છે ત્યારે ગામમા આવેલી તેમની 6 વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા અસહય માર મરાતો હોવાના આક્ષેપ સાથે તેઓ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળ્યા હતા. ઘરે જશે તો પુત્રો મારમારશે તેવા ડરથી વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમા જવા જીદ કરી હતી પરંતુ પૈસા ન હોઈ વિસામણમાં મુકાયા હતા. આ સમયે મંજીતા વણઝારાએ વૃદ્ધાની વૃદ્ધાશ્રમમા રહેવાની તમામ જવાબદારી ઉઠાવી વૃદ્ધાશ્રમ છોડવા ગયા હતા. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે પુત્રના મારથી બા ખુબજ ગભરાઇ ગયા હતા મને લાગ્યુ કે બા ખરેખર ખુબજ હેરાન થઇ રહ્યા છે. તેમની વૃદ્ધાશ્રમમાં રહેવાની ઇચ્છા પૂર્ણ કરી છે અને કોઇ પણ તકલીફ પડે તો પોલીસ અધિકારી તરીકે નહી પરંતુ દીકરી તરીકે તમારી સાથે છુ તેવુ આશ્વાસન આપ્યુ છે. વૃદ્ધાશ્રમની તેમની એક વર્ષની ફી એડવાન્સ ભરી છે.
સીતાબા જમીન માટે માર મારતા પુત્રોથી કંટાળી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી સાહેબ, મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા. પુત્રોનો માર ખાઇને ફરિયાદ નોંધાવવા વસઇ પોલીસ સ્ટેશન પહોંચેલા વૃદ્ધાને પોલીસે પહેલાં તમે તમારા જામીનદાર લાવો પછી ફરિયાદની વાત કરો તેમ કહીને ધમકાવીને કાઢી મુક્યાનો પણ વૃદ્ધાએ આક્ષેપ કર્યો હતો. રણછોડભાઇ બારોટ વર્ષ 2004માં પતિના મૃત્યુ બાદ 2 પુત્રોએ રાખવાનો ઇન્કાર કરતાં એકલવાયુ જીવન જીવે છે. જોકે, તેમની 6 વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા જમીનના કાગળ પર અગૂંઠો કરાવવા દબાણ કરી ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે વૃદ્ધા મંગળવારે મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી પુત્રોના ત્રાસથી બચાવવા રીતસર આજીજી કરી હતી. વૃદ્ધાના કહેવા મુજબ પુત્રોએ તેમના આધારકાર્ડથી માંડીને તમામ દસ્તાવેજો પડાવી લીધા છે અને આર્થિક ટેકો પણ કરતા નથી. પતિના મૃત્યુ સમયે પોતાની હાથમાં પહેરેલી બંગડીઓ વેચીને તમામ વિધિ પૂર્ણ કરી હતી.
બે દિવસ પૂર્વે અમદાવાદ રહેતો પુત્ર અને તેના પરિવારે અસહય માર માર્યો હોવાની વસઇ પોલીસમાં ફરિયાદ આપવા ગયેલાં વૃદ્ધાની ફરિયાદ લેવાનું તો બાજુમાં રહ્યું હાજર પોલીસકર્મીએ તેમને જામીનદાર લઇને આવવાની વાત કરી હતી.