ભાજપ સરકારના ૧૦૦૦૦ કરોડનાં પેકેજમાં ખેડૂતને વીઘે માત્ર ૩૫૦૦ રૂપિયા મળશે: પાકવીમા યોજના લાગુ કરવા માંગ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

Spread the love

જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી, ટાટા નેનોને ૩૩૦૦૦ કરોડની રાહત અને ખેડૂતોનાં દેવા માફ કેમ નહિ: ગુજરાત રાજ્યના ખેડૂતો પર ૧.૫ લાખ કરોડ જેટલું દેવું, સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે નહી તો કોંગ્રેસ આદોલન કરશે : ગુજરાતના ૬૮ લાખ ખેતમજુરો-ભાગિયા માટે સરકાર તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરે: અમિત  ચાવડા

અમદાવાદ

ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતની પરિસ્થિતિ કફોડી થઇ છે. ત્યારે માત્ર જાહેરાતોમાં રચાતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી. ટાટા નેનોને ૩૩૦૦૦ કરોડની રાહત અને ખેડૂતોનાં દેવા માફ કેમ નહિ. ગુજરાતમાં જગતનો તાત ખેડૂત તમામ રીતે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થયો છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ખેડૂતો પર કુદરત રૂઠી છે અને બીજી તરફ સરકાર પાસે એને મોટી આશા અને અપેક્ષા હતી એ સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે. કેહવાતું ઐતિહાસિક પેકેજ એ પેકેજ નહીં પણ પડીકું છે. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી જે ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, વાવાઝોડું આવે છે, પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે, ક્યારેક કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોની આખે વર્ષની જે મહેનત છે, જેની સ્વપ્નો છે એ બધું જ ધોવાઈ જાય છે. અને એની સામે સરકાર પાસે જે આશાને અપેક્ષા હોય એવી કોઈપણ જાતની મદદ કે રાહત આજ દિન સુધી ખેડૂતોને મળી નથી. ગુજરાતમાં ૫૦ લાખથી વધુ ખેડૂતોએ બેંકોમાંથી ધિરાણ લીધું છે. અને આ ધિરાણની રકમ ૧.૫૦ લાખ કરોડ જેટલી થાય છે. ૫૬૦૦૦ના દેવા સાથે જીવતો ગુજરાતનો ખેડૂત પર કુદરતી આફતોને લીધે આર્થિક રીતે પાયમાલ થયો છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં આખા દેશમાંથી ખેડૂતોના મત લેવા માટે ભાષણો કર્યા કે એક વખત તક આપો અમારી સરકાર આવશે એટલે પહેલી કેબિનેટ બેઠકમાં દેશના ખેડૂતોના દેવા માફ કરી દઈશું. પણ આટલા વર્ષો પછી મળ્યું શું?

સરકારની જાહેરાત મુજબ ૧૬૫૦૦ જેટલા ગામો અસરગ્રસ્ત થયા. અને ગુજરાતમાં લગભગ ૭૨ લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર હતું એ પૈકી સરકારના રેકોર્ડ મુજબ અહેવાલ મુજબ ૪૨ લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે વાવેતરને નુકશાન થયું છે. પેકેજમાં પ્રતિ હેક્ટર ૨૨,૦૦૦ રૂપિયાની સહાય આપીશું અને બે હેક્ટરની મર્યાદા છે પરંતુ વીઘા દીઠ આ સહાયની ગણતરી કરો તો ફક્ત ૩૫૦૦ રૂપિયા પ્રતિ વીઘા મળવાની છે. કપાસ-મગફળી જેવા પાકોમાં લગભગ ૧૭,૦૦૦ જેટલી રકમ તો ખેતી ખર્ચ પાછળ જાય છે. જયારે ખાતર,બિયારણ, વીજળી મોઘી બની છે ઉપજનો અંદાજો ટેકાના ભાવ મુજબ ગણીએ તો બીજા ૩૦ થી ૩૧,૦૦૦ રૂપિયાનો છે. આ બંનેનો સરવાળો ગણીએ તો લગભગ વીઘાએ ૪૫થી ૫૦ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના હતા. માનનીય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય જે ભૂતકાળમાં કૃષિ મંત્રી હતા થાળી વગાડીને તીડ ભગાડતા હતા એ જ રીતે થાળી વગાડીને ખૂબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એવી માત્ર વાતો કરે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના આક્રોશ, તકલીફ-મુશ્કેલીઓને વાંચા આપવા માટે ‘ખેડૂત આક્રોશ યાત્રા’ની શરૂઆત સૌરાષ્ટ્રમાં કરવામાં આવી. દેશમાં ઉદ્યોગપતિઓના લગભગ ૧૬ લાખ કરોડ કરતાં વધારે રકમના દેવા માફ કરવામાં આવ્યા. જયારે ખેડૂતોના દેવા માફ કેમ નહિ? એની નીતિ અને નિયતમાં ક્યાંય ખેડૂત દેખાતો નથી. ખેડૂતનું ભલું દેખાતું નથી. ફક્ત ને ફક્ત આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. ગુજરાત રાજ્યના ખેડૂતો પર ૧.૫ લાખ કરોડ જેટલું દેવું, સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે નહી તો કોંગ્રેસ આદોલન કરશે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાષણો કરે છે. એ ભાજપ સરકારે આખા દેશમાં ચાલતી પાક વીમા યોજના ગુજરાતની સરકારએ વર્ષ ૨૦૧૯થી બંધ કરી દીધી છે. જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના ખેડૂતના લગભગ ૬૦,૦૦૦ કરોડ કરતાં વધારેની રકમોએ વીમા કંપનીઓ પાસે લેવાની બાકી રહેતી હતી અને એવા સમયમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી. દર વર્ષે વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય, પૂર આવે, કુદરતી આફતો આવે એટલે દર વખત ખેડૂતોએ બિચારો બાપડો થઈને સરકાર પાસે ભીખ માંગવી પડે. પણ જો પાક વીમા યોજના હોત તો આ દર વર્ષે ભીખ માંગવાનો વારો ના આવતો. દેવા માફ ન કરે, પાક વીમા યોજના ન હોય, ખાતર-બિયારણના પ્રશ્નો હોય, જમીન માપણીની ધાંધલી હોય, તેવામાં ચારેબાજુથી ગુજરાતનો ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. આત્મહત્યા કરવા સિવાય એની પાસે કોઈ રસ્તો નથી. કોંગ્રેસ પક્ષે ખેડૂતઆક્રોશ યાત્રા દરમિયાન જે લોકોની રજૂઆતો, લાગણીને પરિસ્થિતિ જોઈ છે પેકેજના નામે પડીકાની જાહેરાતથી ખેડૂતો સંતોષ નથી માનવાના. કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ભાજપ સરકાર તાત્કાલિક ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની કરે. સરકાર આંકડા જાહેર કરે કે વર્ષ ૨૦૧૯માં, ૨૦૨૧માં, વર્ષ ૨૦૨૨માં, વર્ષ ૨૦૨૪ માં આટલા વર્ષોમાં તમે જે પેકેજો જાહેર કર્યા છે એ પેકેજોમાંથી કેટલા પૈસા સાચા અર્થમાં ખેડૂતને મળ્યા છે કેમ? ગુજરાતના ખેડૂતોની સાથે રહી કોંગ્રેસ પક્ષ પરિણામલક્ષી લડત લડવાનો અમારા સૌનો સંકલ્પ છે.

ગુજરાતમાં લગભગ ૬૮ લાખથી વધારે ખેત મજૂરો છે. જે રોજિંદા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને આખી ઇકોનોમીની વાત કરીએ તો ગુજરાતમાં ૬૫% થી વધારે વર્કફોર્સ આ ખેતીના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. એટલે જ્યારે એ જ ક્ષેત્રને મોટું નુકસાન થયું હોય, ત્યારે ખેડૂતોની ચિંતા કરીએ છીએ સાથે સાથે આ ૬૮ લાખથી વધારે જે ખેત મજૂરો છે, જે ક્યાંક ખેતરમાં મજૂરી કરે છે, ક્યાંક ભાગીયા છે, એ લોકોની ચિંતા પણ આજ દિન સુધી સરકારે કરી નથી. રોજ કમાઈને રોજ ખાવાવાળો આ વર્ગ આજે ખેતી બરબાદ થઈ જવાને કારણે એને રોજગારી નથી મળતી, મજૂરી નથી મળતી, ઘર ચલાવવું, બે ટંકનું ભોજન કેવી રીતે મેળવવું એ આજે એના માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે સરકાર એનો પણ સર્વે કરે અને ગુજરાતના ખેત મજૂરો, ભાગીયાઓ જે છે એના માટે પણ એક ખાસ યોજના બનાવે કે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે એ ખેત મજૂરો, ભાગીયાઓને પણ આર્થિક નુકસાનીના સમયમાં મદદ મળી રહે, એને વળતર મળે, સહાય મળે, રાહત મળે એ માટે પણ સરકાર પાસે માંગ કરીએ છીએ.ખેતી તો બરબાદ થાય છે પણ સાથે સાથે પશુપાલકો હેરાન પરેશાન છે. તેમને ખૂબ મોટું નુકશાન થયું છે. સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા દરમિયાન પ્રત્યક્ષ જોયું કે પશુઓને ખાવા માટે કોઈ ઘાસચારો નથી, કોઈ વ્યવસ્થા નથી ત્યારે એના માટે પણ સરકારે આગળ આવવું પડશે. પશુદાણમાં, ઘાસચારામાં પણ રાહત આપવી પડશે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલ, પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, ડો.પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ.હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *