
જમાલપુરમાં આવેલાં મ્યુનિ.નાં વર્ષો જૂના કતલખાનાને પીરાણા નજીક ખસેડી 32 કરોડનાં ખર્ચે નવું અત્યાધુનિક સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્તથી ભાજપમાં જ ભડકો થતાં મ્યુનિ. શાસક ભાજપે કમિશનરની દરખાસ્ત સુધારા બજેટમાં રદ કરવાની ખાતરી ઉચ્ચારી છે.
મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ બુધવારે રજૂ કરેલાં ડ્રાફ્ટ બજેટમાં મોડર્ન સ્લોટર હાઉસ માટે 32 કરોડની જોગવાઇ કરી જણાવ્યું હતું કે, જમાલપુર સ્થિત સ્લોટર હાઉસને શાહવાડી-બહેરામપુરાનાં ફાઇનલ પ્લોટ 178માં ખસેડવામાં આવશે. આ સ્લોટર હાઉસમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કંપોડિયમ મુજબના પાસાઓનો સમાવેશ કરવામાં આવશે.
કમિશનરની જોગવાઇ અનુસાર, 32 કરોડનાં ખર્ચે બનનારા અદ્યતન સ્લોટર હાઉસમાં પશુઓને રાખવાનાં સુવિધાયુક્ત વાડા બનાવવાની, પશુ ડોક્ટર અને પશુ ચકાસણીનો એન્ટીમોર્ટમ રૂમ, અદ્યતન સ્લોટર યુનિટ, કુલિંગ-ચીલિંગ ફેસેલિટી, એફલ્યુઅન્ટ પ્લાન્ટ, રેન્ડરિંગ પ્લાન્ટ વગેરે બનાવવામાં આવશે. તદઉપરાંત સ્લોટરહાઉસમાં કતલ થયેલાં પશુનાં માંસને એરકન્ડિશન્ડ વાહનમાં પહોંચાડવામાં આવશે તેમ પણ જણાવાયું છે. કમિશનરનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું ત્યારબાદ શાસક ભાજપનાં સુધારા બજેટ ઉપર સુધારા-વધારાનાં સૂચનો માટે મેયર બંગલે સાંસદો, ધારાસભ્યો, સંગઠન અને કોર્પોરેટરોની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી અને આ બેઠકમાં તો કોઇએ સ્લોટર હાઉસનાં આધુનિકરણનો વિરોધ કર્યો નહોતો, એટલે કે મોટાભાગનાં ધારાસભ્યો અને કોર્પોરેટરોએ ડ્રાફ્ટ બજેટનો અભ્યાસ જ કર્યો નહોતો.
આ દરમિયાનમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઇ શાહે મેયર બંગલે યોજાયેલી બેઠક બાદ ડ્રાફ્ટ બજેટમાં સ્લોટર હાઉસ માટે શહેરીજનોનાં ટેક્સનાં 32 કરોડ રૂપિયા ખર્ચવાની જોગવાઇનો વિરોધ કરતાં મ્યુનિ. તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે તેમણે સ્લોટર હાઉસનાં નવીનીકરણથી જૈન સમાજની લાગણી દુભાતી હોવાની વાત કરી હતી. પરંતુ જમાલપુર સ્લોટર હાઉસની ખાલી પડનારી જગ્યામાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવે તો કોંગ્રેસનાં ધારાસભ્યની વાત સ્વીકારાઇ તે મુદ્દો પણ ઉપસ્થિત થાય તેમ હોવાથી રાજકીય લડાઇનાં કારણે પણ સ્લોટર હાઉસનો વિરોધ કરાયો હોવાનું જાણકારો કહી રહ્યાં છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, જમાલપુર-ખાડિયાનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છેલ્લા કેટલાય સમયથી જમાલપુરમાંથી સ્લોટર હાઉસ પીરાણા બાજુ ખસેડવા અને જમાલપુરમાં પાર્ટી પ્લોટ-હોલ બનાવી આપવાની રજૂઆત કરી રહ્યાં છે. તે જોતાં જમાલપુરમાંથી સ્લોટર હાઉસ પીરાણા બાજુ ખસેડવામાં આવે અને જમાલપુરમાં પાર્ટી પ્લોટ-હોલ બનાવવામાં આવે તો ઇમરાન ખેડાવાલાને રાજકીય લાભ થાય તેમ છે.
મ્યુનિ. બજેટમાં સ્લોટર હાઉસની દરખાસ્ત અંગે સર્જાયેલાં વિવાદ ઉપર ઠંડુ પાણી રેડતાં સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ કહ્યું કે, ડ્રાફ્ટ બજેટમાં જે દરખાસ્ત રજૂ થઇ ગઇ છે તે હવે પરત ખેંચી શકાય નહિ, પરંતુ ભાજપનાં સુધારા બજેટમાં આ દરખાસ્તને રદ કરવામાં આવશે. તેમ છતાં મ્યુનિ. બજેટનાં જાણકારોનાં જણાવ્યા અનુસાર, બજેટ દરખાસ્ત રદ કરવામાં આવે તો પણ તેના માટે 32 કરોડની જોગવાઇ થઇ છે તેની જગ્યાએ બીજા કામ સૂચવવા પડે અથવા તે રકમ બીજા કોઇ કામમાં સમાવવી પડે. આ સિવાય જો ડ્રાફ્ટ બજેટમાં કરાયેલી જોગવાઇ રદ નહિ થાય અને અમલીકરણ નહિ કરીએ તેવું શાસક ભાજપ કહે તો પણ દરખાસ્ત તો ઓનપેપર રહે અને ભવિષ્યમાં તેને લઇ પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે.
કતલખાના માટે પ્લોટ ફાળવાયો તેનાથી શાસક ભાજપ અજાણ?ઃ
મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઓગસ્ટ ૨૦૨૫માં જ મ્યુનિ.ના આસિ.સિટી પ્લાનરે એસ્ટેટ ઓફિસરનાં પત્ર મુજબ, નગર રચના અધિકારી(ટીપીઓ)ને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ટીપી ૩૨માં ૧૭૮ નંબરનો ફાઇનલ પ્લોટ સેલ ફોર ઇન્ડસ્ટ્રીયલ અને ૨૩૫ નંબરનો ફાઇનલ પ્લોટ સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(ફાયર સ્ટેશન) માટે મુસદ્દારૂપ નગર રચના યોજના ૩૨માં યથાવત રાખવામાં આવ્યો હતો, પરંતુ આ ફાઇનલ પ્લોટમાં સ્લોટર હાઉસ બનાવવા માટે સેલ ફોર ઇન્ડસ્ટ્રીયલ હેતુનાં પ્લોટને સ્લોટર હાઉસ માટે રાખવા તેમજ ફાયર સ્ટેશન માટેનાં પ્લોટનો હેતુ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર કરવા માટે પ્રારંભિક યોજનાની દરખાસ્ત તૈયાર કરવાની વિનંતી છે. આ દરખાસ્તથી શાસક ભાજપ અજાણ છે કે કેમ તે મોટો સવાલ છે તેમ સૂત્રોનું કહેવું છે.