
મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે આવેલી આસારામ આશ્રમની અંદાજિત 45,000 ચો.મી. જમીન આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને પરત લેવા અંગેની રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પો.ની કાર્યવાહીને પડકારતી આશ્રમની અરજી જસ્ટિસ વૈભવીબહેન નાણાવટીએ ફગાવી કાઢતાં સરકારની મોટી જીત થઇ છે. જ્યારે કે આસારામ આશ્રમના સંચાલકોને ફટકો પડ્યો છે. આશ્રમની અરજી રદ કરતાં હવે રાજ્ય સરકાર અને AMCને જમીન પરત લેવા અને ગેરકાયદે દબાણ તોડી પાડવા માટેનું ગ્રીન સિગ્નલ મળી ગયું છે. અલબત્ત, ચુકાદા બાદ સરકાર તરફથી આશ્રમને બે સપ્તાહનો સમય અપાશે એવી બાહેંધરી અપાઈ છે.
આ સમગ્ર મામલે સંત શ્રી આસારામ આશ્રમ તરફથી હાઇકોર્ટ સમક્ષ બે જુદીજુદી રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે આશ્રમની જમીન પરત લેવા માટેની ઓથોરિટી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એમાં કાનૂની પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો નથી અને આ કાર્યવાહી અચાનક કરવામાં આવી છે. આ અરજીઓમાં જમીન પરત લેવા અને દબાણો તોડવા સામે રાહતની માગ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર અને કોર્પોરેશન તરફથી મુખ્ય સરકારી વકીલ જી.એચ. વીર્કે એવી દલીલ કરી હતી કે,વર્ષો પહેલાં આશ્રમને ધાર્મિક પ્રવૃત્તિ માટે જમીન ફાળવાઈ હતી. પરંતુ એ જમીન પર ગેરકાયદે દબાણો અને બાંધકામ કરાયા હતા. જે જમીન ફાળવણીની શરતોની વિરુદ્ધનું કૃત્ય હતું. AMC દ્વારા આશ્રમને કાયદેસરની નોટિસ પણ પાઠવવવામાં આવી હતી. જેથી કરીને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી કરી શકાય. આશ્રમ તરફથી AMCને તેના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેની અરજી પણ કરવામાં આવી હતી, જેને રદ કરવામાં આવી હતી. જાહેર જમીન ઉપર આ રીતે દબાણ કર્યા બાદ તેને નિયમિત કરવાની બાબત સ્વીકારી શકાય નહીં.
દલીલોના અંતે હાઈકોર્ટના જસ્ટિસ વૈભવીબહેન નાણાવટીએ ગુરુવારે ખુલ્લી અદાલતમાં ચુકાદો સંભળાવ્યો હતો અને આશ્રમની બંને અરજીઓમાં કોઇ રાહત આપી શકાય નહીં એમ ઠરાવતાં તેને રદ કરી હતી. આ ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવશે.
નોંધનીય છે કે અગાઉ આશ્રમના 30 જેટલા અનઅધિકૃત બાંધકામોને ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત કરવાની અરજી પણ AMCએ રદ કરી હતી. જેની અંદાજિત બજાર કિંમત 500 કરોડ જેટલી હોવાનું કહેવાય છે. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે આવેલી આ જમીન પર સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ઓલિમ્પિક વિલેજ અને અન્ય સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવાનો પ્રસ્તાવ છે.
આ કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ નાણાવટીએ ખુલ્લી અદાલતમાં ચુકાદો સંભળાવ્યો હતો. ત્યારબાદ આશ્રમ તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટે વિનંતી કરી હતી કે હાઇકોર્ટના ચુકાદા પર ચાર સપ્તાહનો સ્ટે આપવામાં આવે. જે દલીલનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. ત્યારબાદ જસ્ટિસ નાણાવટીએ આ ચુકાદાનો અમલ કોર્ટના હુકમની નકલ મળ્યાના બે સપ્તાહ પછી કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના ચુકાદા બાદ મુખ્ય સરકારી વકીલના એ નિવેદનને પણ રેકોર્ડ કર્યો હતો કે ઓથોરિટી આશ્રમને ખાલી કરવા માટેની નોટિસ બે સપ્તાહ બાદ આપવામાં આવશે.