વન વિભાગની જમીન ઉપર 1650 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ગુજરાત દેશમાં નંબર વન

Spread the love

 

રાજ્યમાં વન વિભાગ દ્વારા ગ્રીન કવર વધારવાના દાવાથી વિપરીત હકીકતો છેલ્લા કેટલાક સમયથી બહાર આવતી જાય છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગની 6850.11 હેકટર જમીન અન્ય હેતુ માટે પધરાવામાં આવી છે. એટલું જ નહીં સમગ્ર દેશમાં વન વિભાગની જમીનને બિન-વન હેતુ માટે કરવાને લગતી જે દરખાસ્તો આવે છે તેમાં પણ ગુજરાત 1560 દરખાસ્ત સાથે નંબર વનના સ્થાને છે. એટલે કે ગુજરાતમાં વન વિભાગની જમીન ઉપરના પ્રોજેક્ટ માટે સૌથી વધુ સંખ્યામાં છે.
ગુજરાતમાં એકતરફ ઉનાળામાં કાળઝાળ ગરમી વધતી જાય છે અને ગ્રીન કવરના પ્રમાણમાં અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો વધારો થાય છે. તેની વચ્ચે ગુજરાતમાં વન વિભાગની જમીનને બિન વન્ય હેતુ માટે પણ મોટા પ્રમાણમાં આપી દેવામાં આવે છે. રાજ્યસભામાં વન-પર્યાવરણ વિભાગે એક સવાલના જવાબમાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં વર્ષ 2020-21માં 1891 હેકટર, વર્ષ 2021-22માં 1714 હેકટર, વર્ષ 2022-23માં 1474 હેકટર, વર્ષ 2023-24માં 537 હેકટર અને 2024-25માં 1233 હેકટર મળીને 6850 હેકટર જમીન જે વન વિભાગની હતી તે અન્ય હેતુ માટે આપી દેવામાં આવી હતી.
ગુજરાત દેશના એવા ગણતરીના રાજ્યમાં છે જેમાં વન વિભાગની સૌથી વધુ જમીન ઉદ્યોગ અને સરકારી સહિતના અન્ય હેતુ માટે આપવામાં આવી છે. તેની સામે કેટલાક રાજ્યએ વન વિભાગની જમીન શક્ય હોય ત્યાં સુધી અન્ય હેતુ માટે નહીં આપવાની કે વન વિભાગની જમીન ઉપર પ્રોજેક્ટ નહીં કરવાની નીતિ જાળવી રાખી છે તેના કારણે અનેક રાજ્યમાંથી વન વિભાગની જમીનમાં નજીવો જ ઘટાડો થયો છે. ગોવામાં ફક્ત 280 હેકટર, હિમાચલ પ્રદેશમાં 1752 હેકટર, બિહારમાં 1113 હેકટર જમીન જ આ રીતે અપાઇ છે. ગુજરાતમાં વન વિભાગની જમીન ઉપર પ્રોજેક્ટની સંખ્યા પણ દેશમાં સૌથી વધુ 1560 જેટલી છે જેને મંજૂરી અપાઇ છે. તો ફક્ત 8 દરખાસ્ત જ એવી હતી જેને 2020થી 2025ના માર્ચ મહિના સુધી મંજૂરી નકારાઇ હતી. મહારાષ્ટ્રમાં પણ વન વિભાગની જમીન ઉપર માત્ર 320 દરખાસ્તને મંજૂરી અપાયેલી છે.
વિવિધ હેતુ માટે અપાતી જમીન:
વન વિભાગની જમીનની જે હેતુ માટે મંજૂરી અપાય છે તેમાં ઉદ્યોગો, દબાણ હેઠળની જમીન, એરપોર્ટ, કેનાલ, પેટ્રોલ પમ્પ, પુનઃ વસન, શૈક્ષણિક સંસ્થાન, રેલવે-રસ્તા પાણીની પાઇપ લાઇનના કામ માટે, સિંચાઇ અને ખાણકામ વિગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં આ સમયગાળામાં કુલ 97050 હેકટર જમીન વન વિભાગની અન્ય હેતુ માટે આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *