પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓ હવે દબાવી નહીં શકાય

Spread the love

 

પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એકશન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના 34 જિલ્લાઓની SP કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે 35 સિનિયર IPSને જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ મહિનામાં બે વાર પોતાને સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની માહિતી મેળવશે. જરુર પડશે તો અરજદારની પણ મુલાકાત કરશે. જે અરજીઓ દફતરે કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરશે. જેથી પોલીસ સ્ટેશનમાં થતી અરજી પર એકશન લેવામાં વિલંબ થતો હોવાની જે ફરિયાદો ઉઠતી હતી તેનું નિરાકરણ આવે તેવી શક્યતા છે.
અધિકારીને સોંપવામાં આવેલા જિલ્લાની મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશે
જે સિનિયર IPSને જવાબદારી સોંપવામાં આવી છે તેને પોતાના જિલ્લામાં મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશે. માસના પ્રથમ અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી જે તે સંબંધિત એકમને મોકલવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ પુર્ણ કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડીયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ મોકલી આપવાનો રહેશે.
જિલ્લા પોલીસની વિવિધ કચેરીની મુલાકાત કરવાની રહેશેઃ
સંબંધિત અધિકારીએ પોલીસ અધીક્ષકની કચેરી, પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે. માત્ર એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત લેવી નહી.
વિવિધ પ્લેટફોર્મ પર થયેલી અરજીઓને ધ્યાન પર લેવાની રહેશેઃ
મુખ્યમંત્રી કાર્યાલયના સંદર્ભ (PG Portal, SWAGAT 2.0 Escalation Matrix, MP-MLA Reference, CMO Swagat Reference સહિત), નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભ, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના રેફરન્સ, પોલીસ અધિક્ષકની કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલ અરજદારની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરાકરણ થયેલ છે કે કેમ? તે જોવાનું રહેશે તેમજ દફતરે થયેલ અરજીઓ પૈકી 10 થી 15 અરજદારનો રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે.
દર મહિને એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશેઃ
દર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ આ મુજબ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે. ઉક્ત વીઝીટ અંગેની સૂચના સંબંધિત પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડાઓને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને મોકલી આપવાનો રહેશે. સદરહુ અહેવાલમાં આપેલ સૂચનાનું અચૂક પાલન થયું છે તેની સમીક્ષા આગામી રૂબરૂ મુલાકાત દરમિયાન કરવાની રહેશે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ તેઓને મળેલ તમામ અહેવાલોની ચકાસણી કરી તેઓના રીમાર્કસ સહિત સંયુક્ત અહેવાલ ગૃહ વિભાગને મોકલી આપવાનો २हेशे.
રેન્જ પોલીસ મહાનિરીક્ષક, પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાઓએ પણ પોતાના કાર્યક્ષેત્રના પોલીસ સ્ટેશનો માટે દર માસે સમાન પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *