શહેરમાં મિત્રને મિત્રની બહેન સાથે આડા સંબંધ રાખવા ભારે પડ્યા હોવાની ઘટના સામે આવી છે. મંગળવારના રોજ રાજકોટ શહેરના સ્પીડવેલ ચોક નજીક આવેલા વાસ્તુ પ્લાઝા ખાતે આવેલી માધવ હોટલ પાસે માત્ર 44 સેકન્ડમાં છરીના આઠ જેટલા ઘા ઝીંકીને મહેશ જેઠવા નામના વ્યક્તિએ પોતાના જ 43 વર્ષીય મિત્ર નિલેશ ધોકિયાની સરાજાહેર હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
ત્યારે પોતાના જ મિત્રની હત્યા કર્યા બાદ મહેશ જેઠવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે સામે ચાલીને હાજર થયો હતો. તેમજ પોલીસ સ્ટેશન પહોંચીને મેં મારા મિત્રનું ખૂન કર્યું છે તેવું જણાવ્યું હતું.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
મંગળવારના રોજ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સ્પીડવેલ ચોક નજીક આવેલ વાસ્તુ પ્લાઝા નામના કોમ્પ્લેક્સમાં માધવ હોટલ પાસે બે સંતાનોના પિતા 43 વર્ષીય નિલેશ ધોકિયાની સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો સાથે જ પ્રત્યક્ષ દર્શીઓએ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ પણ કરી લીધી હતી. ત્યારે સમગ્ર મામલાની જાણ 112 ઉપર થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર તાલુકા પોલીસનો કાફલો તેમજ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108ની ટીમ દ્વારા નિલેશ ધોકિયાને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો હતો.
“બહેનને હેરાન કરે છે તેવા વહેમમાં હત્યા”
ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસને ગાંધીગ્રામ પોલીસ તરફથી માહિતી મળી હતી કે, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાને અંજામ આપનાર મહેશ જેઠવા ગાંધીગ્રામ પોલીસ ખાતે સામે ચાલીને હાજર થઈ ચૂક્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતકના 45 વર્ષીય મોટાભાઈ રમેશ ધોકિયાની ફરિયાદના આધારે મહેશ જેઠવા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (1) અંતર્ગત ફરિયાદ નોંધી આરોપીની તાત્કાલિક અસરથી ધરપકડ કરી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં રમેશ ધોકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેનો ભાઈ નિલેશ આરોપી મહેશની બહેન પ્રજ્ઞાને હેરાન કરે છે તેવું વહેમ રાખીને મહેશ દ્વારા નિલેશને છાતીના ભાગે તેમજ પેટના તેમજ કમરના ભાગે છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી છે.
મૃતક ફર્નિચરના કામ સાથે સંકળાયેલો હતો
પોલીસ તપાસમાં મહેશ જેઠવા જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક નિલેશ રાજકોટ શહેરના ગુરુપ્રસાદ ચોક પાસે રહેતો હોવાનું તેમજ ફર્નિચર કામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો તરફથી મળતી વિગત અનુસાર નિલેશ મહેશની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં સાસરે રહેતી પ્રજ્ઞા સાથે નિલેશ સંપર્કમાં હતો. જે બાબતની જાણ પ્રજ્ઞાના પતિને થતા તેણે સમગ્ર મામલાની જાણ પોતાના સાળા મહેશ જેઠવાને કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો અત્યાર સુધી પહોંચ્યો હતો. હત્યા કરતા પૂર્વે મહેશે નિલેશને પૂછ્યું હતું કે હું તારી બહેન સાથે વાત કરું તો તને કેવું લાગે? તેમજ આજુબાજુમાં રહેલા લોકોને પણ મહેશે કહ્યું હતું કે કોઈ વચ્ચે ન આવતા. તેમજ ત્યારબાદ ઝનૂનથી તે નિલેશ ઉપર તૂટી પડ્યો હતો. તેમજ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાનું બાઈક લઈને તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
નિલેશનું મૃત્યુ થતાં તેના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આમ, રાજકોટ શહેરમાં લગ્ન બાદ પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવનારા વધુ એક વ્યક્તિની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.