AAP ને મત એટલે ભાજપને મદદ : આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ સાથે આખી આમ આદમી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં : અમિત ચાવડા

Spread the love

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીની નૈતિકતા અને લોકશાહીના નામે ચાલતો દંભ હવે પ્રજા સમક્ષ સંપૂર્ણપણે ઉઘાડો પડી ગયો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ ‘કટકી અને કમિશન’ રાજ તેમજ કમલમનું નેક્સસ ગુજરાતના વિકાસને ઉધઈની જેમ કોતરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપની જ ‘બી-ટીમ’ તરીકે અને આર.એસ.એસ.ના ફન્ડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીનો અચલી ચહેરો સામે આવી ગયો છે.૨૦૧૩થી દેશની જનતાને છેતરવા માટે રચાયેલું આ સુનિયોજિત રાજકીય ષડયંત્ર ગઈકાલની ઘટનાઓથી વિશ્વ સમક્ષ ખુલ્લું પડ્યું છે. સત્ય એ છે કે આ બંને પક્ષો ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં, પરંતુ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે વર્ષોથી વિરોધનું નાટક કરી રહ્યા હતા. તેર વર્ષ સુધી ચાલેલા આ જૂઠાણાં અને લોકશાહી પરંપરાઓને કલંકિત કરનારા અવસરવાદનો હવે અંત આવ્યો છે અને પ્રજાએ આ બંને પક્ષોના અસલી ચાલ, ચરિત્ર અને ચહેરાને ઓળખી લીધા છે.
ગુજરાત અને સમગ્ર દેશ આજે એક સુનિયોજિત રાજકીય ષડયંત્રનો સાક્ષી બની રહ્યો છે, જેમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન (IAC) આંદોલનથી લઈને આમ આદમી પાર્ટીના ઉદય સુધીની તમામ કડીઓ RSS અને ભાજપના ‘બ્રેન ચાઇલ્ડ’ હોવાનું ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસને સત્તાથી દૂર કરવા માટે અન્ના હઝારેને આગળ કરી જે ખેલ ખેલાયો હતો, તે વાસ્તવમાં ભાજપની ‘બેક સીટ ડ્રાઈવિંગ’ રણનીતિનો જ ભાગ હતો. ગઈકાલે રાજ્યસભાના બે તૃતીયાંશ સાંસદોનું અચાનક ભાજપમાં વિલીનીકરણ એ કોઈ સંયોગ નથી, પહેલેથી રચાયેલું વ્યવસ્થિત ષડયંત્ર હતું.આવનારા દિવસોમાં જો એવા સમાચાર આવે કે અરવિંદ કેજરીવાલ પોતે આખી આમ આદમી પાર્ટી સાથે ભાજપમાં મર્જ થઈ ગયા છે, તો નવાઈ પામવા જેવું નહીં હોય. ગુજરાતમાં ભરૂચના ભાજપ સાંસદ ખુલ્લેઆમ નિવેદન કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સીટિગ MLA આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવું જાહેરમાં કહી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા છે કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે.આ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની જ બી-ટીમ છે. જેમ જેમ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રત્યે જનસમર્થન વધી રહ્યું છે અને ૨૦૨૯માં પરિવર્તન નિશ્ચિત દેખાઈ રહ્યું છે.
છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસ સતત આક્ષેપ કરતી રહી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ અને RSSનો જ એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષના મતો તોડી ભાજપને ફાયદો કરાવવાના છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ લોકોમાં આ શંકાને વધુ દ્રઢ બનાવી છે. આપ એક સુવ્યવસ્થિત રણનીતિના ભાગરૂપે એન્ટી-ઈન્કમ્બન્સી મતોનું વિભાજન કરવા માટે એક વ્યવસ્થિત પ્લાનીગ અને સપોર્ટથી થઈ રહ્યો છે. હવે કોઈને પણ આશ્ચર્ય નથી કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે.આ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થયા છે.હજુ તો એવા પણ અહેવાલ છે કે થોડા દિવસોની અંદર પંજાબ સરકારના બહુમતી ધારાસભ્યો લિખિત સ્વરૂપે જાહેરાત કરવાના છે કે અમે બધા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવા જઈ રહી છે આમ પંજાબના લોકો છેતરાયા અને સમગ્ર દેશ સાથે વિશ્વાસઘાત થયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ તથા AICC ના ગુજરાત સોશિયલ મીડિયા પ્રભારી શ્રી કે. કે. શાસ્ત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી નવીનભાઈ ભાવસાર (મામા) ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની મતદારોને અપીલ

સમગ્ર ગુજરાતમાં આવતીકાલે તા. ૨૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં મતદાન યોજાઈ રહ્યું છે. આ અવસરે ગુજરાતની જનતાને અમારી વિનંતી છે કે દેશના બંધારણે આપેલો મતનો અધિકાર લોકશાહીની સૌથી મોટી શક્તિ છે. દર પાંચ વર્ષે મળતી આ તકનો સદુપયોગ કરવાથી આગામી પાંચ વર્ષ માટેનું શાસન આપણા આશા અને અપેક્ષા મુજબ ઘડી શકાય છે.
કોંગ્રેસ પાર્ટીએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે સ્પષ્ટ પ્રતિબદ્ધતાઓ વ્યક્ત કરી છે. અમે તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરીશું તથા દરેક સ્તરે જનતા ઓડિટ ફરજિયાત બનાવશું. સાથે જ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ જેવી પ્રથાઓ દૂર કરીને ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી દ્વારા ગુજરાતના યુવાનોને રોજગાર આપવાનો સંકલ્પ કરીએ છીએ.
ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી રહેલા અર્થતંત્રને મજબૂત બનાવવા માટે શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું, જેથી શહેરોની તરફ વધતી સ્થળાંતરની પ્રવૃત્તિને રોકી શકાય. શહેરી વિસ્તારોમાં પણ ટેક્સ આપનાર નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તા, સુવ્યવસ્થિત ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ અને ટ્રાફિક સમસ્યાઓમાંથી રાહત જેવી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. અમારા પ્રયત્નો શહેરોને ‘લિવેબલ’ અને ‘લવેબલ’ બનાવવા તરફ રહેશે.
લોકશાહીમાં મતદાનનો અધિકાર ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વધુ મહત્વ ધરાવે છે, કારણ કે આ ચૂંટણી સીધી રીતે આપણા દૈનિક જીવનને અસર કરે છે. તમારો એક મત માત્ર પ્રતિનિધિ નથી પસંદ કરતો, પરંતુ આગામી પાંચ વર્ષ માટેની સ્થાનિક શાસન વ્યવસ્થા નક્કી કરે છે.
આજે પ્રજા ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગેરવહીવટ અને તાનાશાહીથી ત્રસ્ત છે. આવા સમયમાં આવતીકાલનો તમારો મત પરિવર્તન લાવવાનો શક્તિશાળી સાધન બની શકે છે. તમારો મત તમારો અવાજ છે, તમારી શક્તિ છે.
અંતમાં, અમારી સૌને વિનંતી છે કે એક પણ મતદાર પોતાનો મત આપ્યા વિના ના રહે. સૌ મળી સંકલ્પ કરીએ કે સ્થાનિક સ્વરાજ્યમાં ભ્રષ્ટાચારમુક્ત, પારદર્શક અને જનતામુખી શાસન સ્થાપિત કરીએ. ભાજપ દ્વારા થયેલા સત્તાના કેન્દ્રીકરણમાંથી મુક્તિ મેળવી, જનતાના હિતમાં કાર્ય કરતી વ્યવસ્થા ઉભી કરીએ.
આવતીકાલે આપનો કિંમતી મત કોંગ્રેસના ઉમેદવારોને આપીને ગુજરાતમાં પરિવર્તન લાવવા સહભાગી બનો. આ મત માત્ર કોઈ વ્યક્તિ માટે નહીં, પરંતુ ગુજરાતની અસ્મિતા, ગૌરવ, સાચો વિકાસ માટે તેમજ ભ્રષ્ટાચાર નાબુદી માટે અહમ યોગદાન સાબિત કરવા માટે આપને મતદાન કરવા નમ્ર અપીલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *