
કેલિફોર્નિયામાં થયેલા ગમખ્વાર અકસ્માત બાદ હાલ મોતના બિછાને રહેલી પોતાની દીકરીને જોવા માટે તરસી રહેલી તેની માતાને અમેરિકાએ વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. મૂળ દિલ્હીની ભારતી સિંઘ નામની આ યુવતી નવેમ્બર 09થી વેન્ટિલેટર પર છે. તેના રિકવર થવાની હવે કોઈ શક્યતા ના હોવાથી ડોક્ટર્સે વેન્ટિલેટર હટાવી દેવા માટે ફેમિલીને જણાવી દીધું છે. આરતીના પિતા હાલ સુમિરન સિંઘ હાલ અમેરિકામાં છે, દીકરીને વેન્ટિલેટર પરથી હટાવી લેવાય તે સાથે જ તેના શ્વાસ થંભી જવાના હોવાથી તેની માતા અને બે ભાઈ-બહેન અમેરિકા જઈ આરતીના અંતિમ દર્શન કરવા માગે છે. યુએસના વિઝા માટે આરતીની માતાએ ફેબ્રુઆરી 05 જ્યારે ભાઈ-બહેને ફેબ્રુઆરી 03ના રોજ ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકા જઈ આરતીને છેલ્લીવાર જોવા ઈચ્છે છે, તેમણે હોસ્પિટલના પેપર્સ પણ વિઝા ઓફિસરને બતાવ્યા હતા પરંતુ તેમ છતાંય તેમને વિઝા આપવાનો ઈનકાર કરી દેવાયો હતો.
આરતીના પિતાએ આ મામલે ઈન્ડિકાન્યૂઝ નામની એક વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આરતીની મમ્મી મહિલા વિઝા ઓફિસર સામે રડી પડી હતી પરંતુ તેણે કશુંય સાંભળ્યા વિના સિક્યોરિટી ગાર્ડને બોલાવી તેને બહાર કાઢી મૂકી હતી. હાલ આરતીની હાલત ખૂબ જ ક્રિટિકલ છે અને તે માત્ર વેન્ટિલેટરના સહારે જ જીવી રહી છે, જોકે તેની માતાનું કહેવું છે કે છેલ્લે તેમણે વિડીયો કોલ કર્યો ત્યારે પોતાનો અવાજ સાંભળતા જ દીકરીએ પાંપણ ઝપકાવી હતી, તેમને આશા છે કે દીકરીને જો યોગ્ય સારવાર મળે તો તેનો જીવ બચી શકે તેમ છે. આરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને અનેક અરમાનો સાથે તે ભણવા માટે યુએસ ગઈ હતી. જોકે, રોડ ક્રોસ કરતા થયેલા અકસ્માતમાં ગંભીર ઈજા થતાં હવે તેના બચવાની કોઈ આશા નથી. આરતીના ડાબા મગજમાં ગંભીર ઈજા થઈ હોવાથી તે બોલી શકે તેમ નથી કે ના તો તે અવાજ સાંભળીને ખાસ રિસ્પોન્ડ કરે છે. આરતીની ફેમિલી તેના અંતિમ દર્શન કરવા માટે વિઝા ના મળતા તો હતાશ છે જ, પરંતુ તેમને એ વાત પર પણ ગુસ્સો આવી રહ્યો છે કે આરતીને ઉડાવી દેનારા કારચાલક સામે પણ અમેરિકાની પોલીસે કોઈ પગલાં નથી લીધા.