3થી 5 લાખમાં બાળક ખરીદી 15 લાખમાં વેચવાનું રેકેટ

Spread the love

 

 

10 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. બાળક ઈચ્છતું નિઃસંતાન દંપતી શોધવું, બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી અને વેચાણની કિંમત નક્કી કરવી, નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મપ્રમાણ પત્ર તૈયાર કરવા સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા હતા.જેઓ તમામ કમિશન પર કામ કરતા. આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતુ હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડબેલ રકમ મેળવી લેતા હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. રેકેટમાં સૌપ્રથમ નિસંતાન દંપતી કે જે બાળક મેળવવા ઈચ્છતા હોય તેમની પાસેથી મોટા દલાલ દ્વારા એડવાન્સ રકમ લેવામાં આવે છે. એડવાન્સ મળ્યા બાદ દલાલોની ટુકડી બાળકની શોધ શરૂ કરે છે. ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવે છે. બાળક મળી ગયા બાદ તેને તૈયાર કરી સારા કપડાં પહેરાવી તેના ફોટા પાડવામાં આવે છે.આ ફોટા એજન્ટના ગ્રુપમાં મૂકવામાં આવે છે.આ ફોટા મૂક્યા બાદ બાળકનો ભાવ રૂ. 3 લાખથી 5 લાખ વચ્ચે નક્કી કરવામાં આવે છે. બાળકના માતા-પિતાને ચોક્કસ રકમ ચૂકવી દલાલો બાળકનો કબજો કરી લે છે. ત્યારબાદ બાળકની સંપૂર્ણ સંભાળ વંદના જેવી મહિલા દલાલો રાખતી હોય છે.મુખ્ય દલાલ દ્વારા નિસંતાન દંપતી પાસેથી પહેલેથી જ રૂ. 10 થી 15 લાખ એડવાન્સમાં લેવામાં આવે છે. એક વખત બાળકનો ફોટો મોકલાઈ જાય પછી આ રકમ નોન-રિફંડેબલ બની જાય છે. બાળક પસંદ ન આવે, દીકરો કે દીકરી અંગે વિવાદ ઊભો થાય તો પણ રૂપિયા પરત આપવામાં આવતા નથી. મોટા ભાગે સંતાનની લાલસામાં દંપતી બાળક સ્વીકારી લે છે. બાળક મળ્યા બાદ શરૂ થાય તેને પોતાનું સંતાન બતાવવાના ડોક્યુમેન્ટ બનાવવાની કવાયત. દલાલોની સૂચનાથી નિસંતાન દંપતી બાળક આવવાના મહિના પહેલાં અન્ય પ્રદેશમાં રહેવા ચાલ્યા જાય છે.ત્યારબાદ દલાલો દ્વારા પેમેન્ટ આપીને સાધી રાખેલા નર્સિંગ હોમમાં ચોક્કસ દિવસે બાળકનો જન્મ થયો હોવાની ખોટી એન્ટ્રી કરાવવામાં આવે છે. તેના આધારે જન્મનો દાખલો અને અન્ય તમામ દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકની તસ્કરી કેસમાં વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવને ઝડપી લીધા હતા. તપાસમાં બનાસકાંઠાના સપ્લાયર યુનુસ સિંધીનું નામ ખુલતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસને 10 દિવસ પહેલા એક સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી એક 15 દિવસનું બાળક મળી આવ્યું હતું. પોલીસે કારમાં બેસેલા હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની મહિલા વંદના પંચાલની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ત્રણેય આરોપી હિંમતનગરમાં મુન્ના નામના વ્યક્તિ પાસેથી આ બાળક 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા, જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું. હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું. એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, નવજાત બાળકો સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાંથી જ મળી આવે છે. મુન્નો ઉર્ફે યુનુસે આ બાળકને 60 હજારમાં ખરીદ્યું હતું. બાળકને વ્યવસ્થિતિ સાચવવામાં આવતું હતું. પકડાયેલા આરોપીઓ બાળક હૈદરાબાદ આપવાનું હતું. 3 અલગ-અલગ ટીમ કામ કરી રહી છે. વંદના અને રોશન પાસેથી અગાઉ 3 બાળક હૈદરાબાદ પોલીસને મળી આવ્યા હતા, જેમાંથી એક બાળક અમદાવાદનું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *