ગાંધીનગર શહેરનો વહીવટકર્તા નોટીફાઈડ એરિયા કચેરી કરતુ હતું ત્યારે કોઈ ટેક્ષ નહીં અને રોડ રસ્તા, રીપેરીંગ, પાણી ભરાઈ જવાના પ્રશ્નો પણ એટલા ન હતાં. ત્યારે મનપા એટલે કે મહાનગર પાલિકા બન્યા બાદ પ્રશ્નો વધતા ગયા છે. ત્યારે આજના યુગમાં ડિજીટલ હોવા છતાં મનપાની વેબસાઈટ ભલે ડિજીટલ થઈ હોય પણ આજે આ વેબસાઈટ જુના મુર્દા ઉખેડતી હોય તેવું લાગી રહ્યું છે. લાખો નહીં કરોડોની ગ્રાંટ મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી બે નહીં પણ ચાર હાથે વિકાસ માટે આપી રહ્યાં છે. ત્યારે કરોડોનો ખર્ચો કરવાનો પણ તેનું અપડેટ કશું જ નહીં. લાકડાની તલવાર ચાલતી હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે મનપાનું લોલમલોમ કહો કે વેબસાઈટમાં લોચા લાપસી ઘણી જ બહાર આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મનપાની જે વેબસાઈટ છે તેમાં મેયર તરીકે રીટાબેન પટેલે ૧૪.૪.૧૯ થી કાર્યભાર સંભાળ્યો છે અને મેયર તરીકે હાલમાં ચાલુ છે તે વેબસાઈટમાં બતાવે છે ત્યારે ૭.૫.૧૬ થી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મનુભાઈ પટેલ અને ડેપ્યુટી મેયર પદે દેવેન્દ્રસિંહ ચાવડા હાલમાં પણ કાર્યરત બતાવે છે ત્યારે ૧૪.૪.૧૯ ના રોજ ડેપ્યુટી મેયર તરીકે નાઝાભાઈ ધાંધર બન્યા તે વેબસાઈટમાં ડ્રાઈવ કરી રહ્યાં છે તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હાલ જીગાબાપુ હોઈ તેમાં પણ મનુભાઈ પટેલ હજુ કાર્યરત બતાવી રહ્યા છે ત્યારે આ વેબસાઈટમાં ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધરની એન્ટ્રી જ હજુ સુધી ક્યાંય થઈ જ નથી. ત્યારે મનુ પટેલ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન પદે ચાલુ હોવાનું વેબસાઈટમાં બતાવતા મનપાનો કથળેલો વહીવટ ગણવો કે પછી લોચાલાપસી ગણવી એજ ખબર નથી પડતી. મનપામાં એન્જનિયરથી લઈને કોમ્પ્યુટર પર ઓપરેટરો બેસાડ્યા પછી પણ આ લોચાલાપસીથી તંત્ર શું કામ કરે છે તે દેખાઈ આવે છે.