આપણે આજે એવા ગામની વાત કરવાની છે, જેના પાપડ, મઠીયા, ચોરફરી માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ બધા માટે ફેવરીટ છે. તો ચાલો જઇએ ચરોતરના ઉત્તરસંડા ગામની મુલાકાતે. ખાણીપીણી માટે તો ગુજરાતના અનેક શહેરો જાણીતા છે પરંતુ પાપડ, મઠીયાની વાત આવે એટલે માત્રને માત્ર ઉત્તરસંડા ગામનું જ નામ આવે ત્યાં માત્ર પાપડ મઠીયાનું ઉત્પાદન થાય છે એવુ નથી પરંતુ દેશના દરેક સ્થળે તેનું વિતરણ પણ થાય છે.
ઉત્તરસંડાના પાપડ, મઠીયા કે ચોરાફરી બધા માટે પ્રથમ પસંદ છે પણ કેમ તે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. અહીંજ આ ઉદ્યોગ કેમ ચાલે છે? પહેલા કયાં હતો ? જેવી ઘણી વાતોથી લોકો અજાણ છે. આ વિશે વાત કરતા ઉત્તરસંડાના રહેવાશી દિનેશભાઇ પટેલ કહે છે કે “મને જાણ છે ત્યાં સુધી પહેલા આ ઉદ્યોગ માતર તાલુકાના સંધાણા ગામે ચાલતો હતો. પરંતુ ત્યાં પાપડ માટે પાણી તો ઉત્તરસંડાથી જ લઇ જવામાં આવતુ હતું.
૧૯૮૭માં પ્રથમ ફેક્ટરી જે ઉત્તમ નામથી ઓળખાતી તે શરૂ થઇ
કહેવાય છે કે ઉત્તરસંડાનું પાણી પાપડ ઉદ્યોગ માટે બેસ્ટ છે. પરંતુ માત્ર પાણી લેવા માટે સંધાણાથી ઉત્તરસંડા આવવુ પડતુ જે ધણું મોધું પડતું જેના કારણે પાપડ, મઠીયાના ભાવ પણ વધુ રાખવા પડતા. ૧૯૮૭માં આ પ્રશ્નનું નિરાકરણ આવ્યુ અને પ્રથમ ફેક્ટરી જે ઉત્તમ નામથી ઓળખાતી તે શરૂ થઇ. બસ પછી તો એક પછી એક એમ ઉત્તરસંડામાં પાપડ મઠીયાની ફેકટરી અને દુકાનો શરૂ થઇ. હાલમાં લગભગ ત્રીસેક જેટલી ફેક્ટરી છે. વર્ષે અંદાજે ત્રણથી ચાર કરોડનું ટર્નઓવર થાય છે.
ઉત્તરસંડાને વિશ્વ ફલક પર પહોંચાડવા માટે પાપડ, મઠીયાનો જ ફાળો
અહીંના પાપડની માંગ વધુ હોવાથી હરીફ ધંધાર્થીને પણ કોઇ નુકશાન થતુ નથી. અહીંનું પાણી પાપડને સફેદ, નરમ પાતળા અને સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ ઘણા લોકોનું માનવુ છે કે હવા પાણીના કારણે નહી પરંતુ એકવાર બિઝનેશ શરૂ થયો તો ધીમે ધીમે વધતો ગયો છે. જે હોય તે પણ હાલમાં એવુ કહેવુ બીલકુલ અતીશયોક્તિ નહી કહેવાય કે ઉત્તરસંડાને વિશ્વ ફલક પર પહોંચાડવા માટે પાપડ, મઠીયાનો જ ફાળો છે.