ગુજરાતના દિવ્યાંગો માટે નોકરીની મોટી તક, એસટી નિગમે બહાર પાડી ભરતી, મહિને આટલો પગાર મળશે, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Spread the love

 

ગુજરાત એસટી નિગમમાં દિવ્યાંગોની હેલ્પર તરીકે ભરતી શરૂ કરાઇ છે, પાંચ વર્ષ સુધી પ્રતિ મહિને રૂ.૨૧,૧૦૦નો ફિક્સ પગાર અપાશે. આ માટેની વય મર્યાદા ૧૮થી ૩૫ વર્ષ છે પરંતુ દિવ્યાંગો માટેની ખાસ ભરતી ઝુંબેશ હોય વય મર્યાદા ૪૫ વર્ષ સુધી રખાઇ છે.

અરજી કરવાનો સમયગાળો

વિશેષમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી (ફીક્સ પગાર) અન્વયે પસંદગીયાદી અને પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ફકત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે હેલ્પરની પોસ્ટ માટે પ્રતિ મહિને રૂ.૨૧,૧૦૦ના ફીકસ પગારથી કુલ ૨૯૭ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. આ માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૧૩.૨થી તા.૧૨.૩.૨૦૨૬ સુધીનો છે. જ્યારે સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વિકારવાનો સમયગાળો તા.૧૩.૨થી તા.૧૪.૩.૨૦૨૬ સુધીનો છે.

કેટલો પગાર મળશે?

પસંદગી પામનાર ઉમેદવારોને હેલ્પર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૨૧,૧૦૦ના ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહી. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી હેલ્પર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે.

વય મર્યાદા

ઉપરોક્ત ભરતી માટેની વય મર્યાદા સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર દિવ્યાંગ ઉમેદવારોને ઓછામાં ઓછી ૧૮ વર્ષ તથા ૧૦ વર્ષની મહત્તમ છુટછાટ સાથે (૪૫ વર્ષથી વધુ ન હોય તે રીતે) લાગુ પડશે, ૧૮ થી ૪૫ વર્ષ (જન્મ તારીખ ૧૨.૩.૧૯૮૧ થી ૧૨.૩.૨૦૦૮) સુધીની વયના ઉમેદવારો અરજી કરવાપાત્ર રહેશે.તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા (ઉંમર) માટે અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *