Trump Immigration Policy : શરણાર્થીઓ હવે ટ્રમ્પનું નવું ટાર્ગેટ, લાખો લોકો પર ધરપકડનું સંકટ

Spread the love

 

દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા માટે એક પછી એક આકરા પગલાં લઈ રહેલા ટ્રમ્પ વહીવટતંત્રએ હવે અમેરિકામાં શરણાર્થી તરીકે રહેતાં લોકોને ટાર્ગેટ કર્યા છે.

ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ) દ્વારા ફાઈલ કરાયેલાં એક મેમો અનુસાર, ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા શરણાર્થીઓએ અમેરિકામાં પ્રવેશના એક વર્ષની અંદર ફેડરલ કસ્ટડીમાં પરત ફરવાનું રહેશે, જેથી તેમની અરજીની સમીક્ષા કરી શકાય.

કસ્ટડીના આ સમયગાળા દરમિયાન ડીએચએસ, તપાસ અને પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરશે. જોકે શરણાર્થીઓ માટે કામ કરતાં જૂથોએ આ નવા આદેશની ટીકા કરી છે. આ જૂથોના મતે આ નવા આદેશનો કાનૂની રાહે વિરોધ થવાની પૂરેપૂરી શક્યતા છે. તેનાથી બાઈડેનના શાસન દરમિયાન અમેરિકામાં આવેલાં આશરે બે લાખથી વધુ શરણાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ ટ્રમ્પ વહીવટતંત્રએ પૂરોગામી જો બાઈડેન સરકાર દ્વારા જેટલાં લોકોને અમેરિકામાં શરણાર્થી તરીકે આશ્રય આપ્યો હતો તે તમામની સમીક્ષા કરવા અને તે સમયગાળા દરમિયાન તેમને જારી કરાયેલાં ગ્રીન કાર્ડ તાત્કાલિક ધોરણે રદ કરવાનો આદેશ આપતો એક મેમો તૈયાર કર્યો હતો.

ટ્રમ્પ તંત્રએ ઈમિગ્રેશન અને શરણાર્થીઓ માટેની નીતિમાં આવેલાં આ પરિવર્તન માટે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક ચિંતાઓનું કારણ આગળ ધર્યું છે. જોકે સરકારની આ દલીલની પોલ ખોલતાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અમેરિકામાં આશ્રય આપતાં પહેલાં જ શરણાર્થીઓની વ્યાપક ચકાસણી કરવામાં આવે છે. આ નવા આદેશને પગલે કેટલાં લોકોની ધરપકડ થશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાણવા મળી નથી.

ગુરુવારે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન ટનહેમ સમક્ષ આ મામલે સુનાવણી થઈ હતી. ન્યાય વિભાગના એટર્ની બ્રેન્ટલી મેયર્સના જણાવ્યાં અનુસાર, અમેરિકામાં પ્રવેશના એક વર્ષ બાદ શરણાર્થીની ધરપકડ કરવાનો સરકારને અધિકાર હોવો જોઈએ, પરંતુ દરેક કિસ્સામાં આમ નથી થતું. આ અંગેનો નિર્ણય ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વિવેક પર નિર્ભર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *