
કોઈપણ નાગરિક સાથે સાઇબર ક્રાઇમ કરવા માટે મ્યુઅલ એકાઉન્ટ જરૂરી છે ત્યારે હવે બેંક મેનેજર દ્વારા જ મ્યુઅલ એકાઉન્ટ ખોલી અને સાઇબર ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા બેંક મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલા બ્રાન્ચ મેનેજરે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું, બીજા કર્મચારીએ એકાઉન્ટના કેવાયસીમાં સુધારા કર્યા હતા. અન્ય મહિલા મેનેજરે સાયબર ફ્રોડના રૂપિયામાંથી સોનું ખરીદી સાયબર માફિયાને પહોંચાડ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જ્યારે માસ્ટર માઇન્ડ બે આરોપીઓની ધરપકડ કરવા માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
શહેરના એક સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી 15 ડિસેમ્બર 2025થી 4 ફેબ્રુઆરી, 2026 દરમ્યાન સાયબર માફિયાઓ જુદા જુદા રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી રૂપિયા 1.54 કરોડ પડાવી લીધા હતાં. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અમદાવાદ, સુરત અને ભાવનગર તથા અન્ય શહેરોમાં દરોડા પાડી તપાસ કરતાં આ સાયબર ફ્રોડના 10 લાખ રૂપિયા હરેશ મકવાણા (સુરત) તથા રાજુ મકવાણા (ભાવનગર)ના ખાતામાં જમા થયા હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. વધુ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ સાયબર ફ્રોડમાં ખુદ બેંકની બે મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એન. આર. ગામીતની ટીમે ઇન્ડસઇન્ડ બેંક ચાંદખેડા બ્રાંચના બ્રાન્ચ મેનેજર પૂજા ફ્રેડરિક પરીયત, ઇન્ડસઇન્ડ બેંકની ઇસીબીડી મેનેજર હિના દિવ્યમ દરજી તથા ઇન્ડસઇન્ડ બેંક ગોતા બ્રાંચના એકાઉન્ટ મેનેજર મહેશ રાજેશકુમાર તારાણીની ધરપકડ કરી છે.
ત્રણેયની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેમની વિવાદાસ્પદ કામગીરી બેંકના ધ્યાનમાં આવતાં તેમના એમ્પ્લોય કોડ બંધ કરી તેમની પાસેથી બેંક એકાઉન્ટ ઓપન કરવાના પાવર પણ લઈ લેવામાં આવ્યા હતા. બેંક કર્મચારી મહેશ એકાઉન્ટ ખોલાવવા માટે એજન્ટોના માણસોને બેંકમાં લાવતો હતો. પૂજા પોતે મેનેજર હોવાથી તે એકાઉન્ટ ઓપન કરી આપતી હતી અને બેંકના નિયમ મુજબ એકાઉન્ટ ઓપન થયા બાદ 3 મહિના સુધી ફોન નંબર કે મેઇલ આઈડી ચેન્જ કરી શકાય નહીં. તેમ છતાં તમામ ફેરફાર કરી દેવામાં આવતા હતા. સાયબર ફ્રોડના રૂપિયા આવે એટલે તેની એફડી કરી દેવામાં આવતી અને હિના આ એફડી લઈ સોનાના શો રૂમમાં જઈ તેના આધારે શિવરંજની વિસ્તારમાં આવેલા તનિષ્કના શોરૂમમાં જઈને સોનું ખરીદી સાયબર માફિયાના એજન્ટને આપતી હતી. તેઓને કમિશન પેટે એક લાખ મળતા હોવાની વિગતો સામે આવી છે. માસ્ટર માઇન્ડ હરકિશન તથા અકિબ ઉર્ફે કાળુભાઈ લાખેપોટાની ધરપકડ કરવા કવાયત ચાલી રહી છે. તેઓ ચાઇનીઝ ગેંગ માટે મ્યુલ એકાઉન્ટ ભાડે લેતા અને રૂપિયા સાયબર માફિયાને પહોંચાડતા હતા. હવે તેમને ઝડપી લેવા માટેની કવાયત ચાલી રહી છે. જ્યારે પૂજાએ તેની નોકરી દરમિયાન જે એકાઉન્ટ ખોલાવ્યા છે તેમાં સાયબર ફ્રોડના 400 ગુનાઓ નોંધાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. માસ્ટર માઇન્ડ પાલીતાણાનો હોવાની વિગતો પણ સામે આવી રહી છે.