ભારતમાં સોનાના રોકાણને લઈને એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ હેઠળ ટેક્સ છૂટના નિયમોમાં સુધારો કર્યો છે. આની સીધી અસર એવા રોકાણકારો પર પડશે કે, જેઓ સ્ટોક એક્સચેન્જ દ્વારા સોનું ખરીદે છે.
બજેટ 2025-26માં રજૂ કરવામાં આવેલા આ ફેરફારો મુજબ, 1 એપ્રિલ 2026 થી સેકન્ડરી માર્કેટમાંથી ખરીદેલા SGB પર મળતી ટેક્સ છૂટ નાબૂદ કરવામાં આવી છે.
અત્યાર સુધીના નિયમો મુજબ, સોવરિન ગોલ્ડ બોન્ડને મેચ્યોરિટી (8 વર્ષ) સુધી રાખવા પર થતા કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ (સરકાર પાસેથી ખરીદ્યા હોય કે સ્ટોક એક્સચેન્જ પરથી) ચૂકવવો પડતો ન હતો.
નવા નિયમ હેઠળ, હવે ટેક્સ-ફ્રી મેચ્યોરિટીનો લાભ માત્ર તે જ ‘રોકાણકારો’ (Original Investors) ને મળશે, જેમણે પ્રાથમિક ઈશ્યૂ (Primary Issue) દરમિયાન સીધા આરબીઆઈ (RBI) દ્વારા બોન્ડ સબસ્ક્રાઇબ કર્યા હતા.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો કોઈ રોકાણકાર 1 એપ્રિલ 2026 પછી સેકન્ડરી માર્કેટ (NSE/BSE) પરથી SGB ખરીદે છે અથવા તો તેને કોઈની પાસેથી ભેટ (Gift) તરીકે મેળવે છે, તો મેચ્યોરિટી પર થતા નફાને ‘ટેક્સ-ફ્રી’ ગણવામાં આવશે નહીં.
આ ફેરફારથી રોકાણકારોની કમાણી પર સીધી અસર પડશે. જો તમે એક્સચેન્જ પરથી એક બોન્ડ ₹7,000 માં ખરીદ્યો અને મેચ્યોરિટી સમયે તેની કિંમત ₹11,000 થઈ ગઈ, તો તેના પર થતા ₹4,000 ના નફા પર હવે 12.5% ના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ લાગશે. ટૂંકમાં, તમારે દરેક બોન્ડ પર ₹500 નો ટેક્સ સરકારને ચૂકવવો પડશે. પહેલા આ પૂરેપૂરી રકમ રોકાણકારના ખિસ્સામાં જતી હતી.
રોકાણકારો હવે બે શ્રેણીઓમાં વહેંચાઈ ગયા છે, જેમાં પ્રાઈમરી રોકાણકારોને વાર્ષિક 2.5% વ્યાજની સાથે મેચ્યોરિટી પર સંપૂર્ણ ટેક્સ-ફ્રી રિટર્ન મળશે, જ્યારે સેકન્ડરી માર્કેટના ખરીદદારોને 2.5% વ્યાજ તો મળશે પરંતુ મેચ્યોરિટીના નફા પર ટેક્સ ચૂકવવો પડશે.
નિષ્ણાતો માને છે કે, આ પગલાથી સેકન્ડરી માર્કેટમાં SGBની લિક્વિડિટી અને આકર્ષણ ઘટી શકે છે. અત્યાર સુધી મોટા રોકાણકારો ટેક્સ બચાવવા માટે SGB માં રોકાણ કરતા હતા અને માર્કેટમાં વધઘટ લાવતા હતા. જો કે, હવે નવો ટેક્સ નિયમ સીધો આ ‘બિગ પ્લેયર્સ’ ને અસર કરશે.
આ મોટા રોકાણકારો અત્યાર સુધી ‘ટેક્સ પે’ નહોતા કરતા, જેના કારણે રેટમાં ભારે અસ્થિરતા (Fluctuation) જોવા મળતી હતી. હવે ટેક્સ લાગુ થવાથી તેઓ આડેધડ લે-વેચ નહીં કરી શકે, પરિણામે સોનાના ભાવ વધુ સ્થિર રહેશે.
માર્કેટમાં જ્યારે મોટા પ્લેયર્સ રમત રમે છે, ત્યારે તેની સીધી નકારાત્મક અસર સામાન્ય રોકાણકારો અને મધ્યમ વર્ગ પર પડતી હતી. ભાવ સ્થિર થવાથી મધ્યમ વર્ગ સુરક્ષિત રીતે રોકાણ કરી શકશે.
નવા ટેક્સ નિયમની સૌથી સારી વાત એ છે કે, આનાથી નાના રોકાણકારોને કોઈ નુકસાન નહીં થાય. આ નિયમ ખાસ કરીને માર્કેટને મેનિપ્યુલેટ કરતા મોટા ખેલાડીઓને નિયંત્રિત કરવા માટે છે.
આ ચાર્ટમાં સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)ની કિંમતોમાં મોટા રોકાણકારોને કારણે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. કિંમત પહેલા ઝડપથી વધીને ₹19,000 ના હાઈ (High) સુધી પહોંચી હતી, જ્યાં માત્ર 4 દિવસમાં +₹2,806.09 એટલે કે +19.23% નો ઉછાળો આવ્યો હતો પરંતુ ત્યારબાદ મોટા ખેલાડીઓના પ્રોફિટ બુકિંગને કારણે -₹4,407.21 એટલે કે -23.20% નો ઘટાડો નોંધાયો અને કિંમત લગભગ ₹14,600 સુધી આવી ગઈ હતી.
આ સમયગાળા દરમિયાન ₹4,400 થી વધુની અસ્થિરતા (Volatility) જોવા મળી હતી, જેની અસર નાના રોકાણકારો પર પડી હતી. હાલમાં કિંમત ઘટીને સ્થિર થઈ લગભગ ₹15,803.96 પર છે, જ્યાં EMA Short (₹15,794.89) અને EMA Long (₹15,669.73) ની આસપાસ કોન્સોલિડેશન (Consolidation) જોવા મળી રહ્યું છે. હવે નવા ટેક્સ નિયમ બાદ મોટા રોકાણકારોની પ્રવૃત્તિ ઘટી શકે છે, જેનાથી વોલેટિલિટી ઓછી થશે અને મધ્યમ વર્ગના રોકાણકારોને રાહત મળી શકે છે.