
અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મજૂર ગામ પાસે એકતા નગરની ચાલીમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર બુટલેગરે હુમલો કર્યો હોવાની ઘટના બની છે. ત્રણ લોકોએ ભેગા મળી અને કોન્સ્ટેબલના માથામાં લાકડીઓ મારી હતી. જેનાથી કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે એમ કહી અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મજૂર ગામમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા જયવર્ધનભાઈ પરમાર શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બે માર્ચના રોજ તેઓ નોકરી ઉપર ગયા હતા અને બપોરે 2 વાગ્યે રિસેસના સમયમાં ઘરે જમવા માટે આવ્યા હતા. બપોરે પોણા ત્રણ વાગ્યાની આજુબાજુ નોકરી પર પરત જવા માટે નીકળ્યા હતા ત્યારે મજૂર ગામ એકતા નગરની ચાલી પાસેથી પસાર થતાં હતા. તે દરમિયાન એકતા નગરની ચાલીમાં રહેતો ભાવેશ રાઠોડે તેમને ઉભા રાખ્યા હતા.
‘તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે, તું જો હું મારા ભાઈ પેપ્સી રાઠોડ તથા મારો મિત્ર દિવ્યાંગને બોલાવી લાવું છું’. જેથી જયવર્ધને કહ્યું હતું કે, તારા ધંધા બાબતે મને કંઈ ખબર નથી મેં કોઈ બાતમી આપી નથી. જેથી ભાવેશે ઉશ્કેરાઈ અને ગંદી ગાળો આપી હતી. ત્યારે ગાળો ન બોલવા સમજાવતા ત્રણેય જણાએ ભેગા મળી લાકડાના ડંડા વડે અને ગડદાપાટુનો માર માર્યો હતો. જે દરમિયાન લોકોના ટોળા ભેગા થઈ જતાં ત્રણેય ફરાર થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત થયાં હોવાથી તેઓને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી છે.
શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાય સમયથી હત્યા અને મારામારી જેવા બનાવો બની રહ્યા છે. બુટલેગર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ઉપર જ હુમલો કરવામાં આવતા ફરી એકવાર વિસ્તારમાં મારામારીના બનાવો વધ્યા હોય એવી સ્થિતિ જોવા મળી છે. હાલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામા આવી છે.